રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું : છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ રાજ્યભરમાં શ્રીકાર વરસાદ વરસ્યો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ એક ઈંચથી પણ ઓછો એટલે કે માત્ર પાંચ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સૌથી વધુ ૧૨૦ મિ.મી. એટલે કે આશરે ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય ૩ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ અને ૧૩ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના કુલ ૮૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તારીખ ૩ જુલાઇ, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતાં ગત ૨૪ કલાક દરમિયાન ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ૮૭ મિ.મી., ભરૂચના વાલિયા તાલુકામાં ૬૫ મિ.મી., જૂનાગઢના માંગરોળ તાલુકામાં ૫૯ મિ.મી. કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના કેશોદ, વંથલી અને વલસાડના કપરાડામાં ૪૧ મિ.મી., દાહોદ તાલુકામાં ૩૬ મિ.મી., માળિયા હાટીના તાલુકામાં ૩૫ મિ.મી., સુત્રાપાડા અને ડોલવણ તાલુકામાં ૩૪ મિ.મી., ધરમપુર તાલુકામાં ૩૩ મિ.મી., ગઢડા અને ડાંગ-આહવા તાલુકામાં ૩૦ મિ.મી., ગારીયાધાર અને ખાંભા તાલુકામાં ૨૮ મિ.મી., અને રાજુલા તાલુકામાં ૨૫ મિ.મી. એમ કુલ ૧૩ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં કુલ મળી ૮૩ જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૬.૭૧ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૯.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૬.૦૯ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૪૦ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.