ક્લાઇમેટ ચેન્જ વિષયમાં વડાપ્રધાનના પ્રયત્નોના લીધે વ્યાપાર વિશ્વ માટેની નવી સંભાવનાઓ ખુલી છે: મંત્રી મુળુભાઇ બેરા
ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવાની વિચારણા: મંત્રી મુકેશ પટેલ
ગાંધીનગરઃ ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દાના પડકારો સામે લડત આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા ‘ટુવર્ડ્સ નેટ ઝીરો’ની થીમ પર વાઇબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત સેમિનાર સંપન્ન થયો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ આ દિશામાં ગુજરાત દ્વારા લેવાયેલા પગલાઓ વિશે જણાવ્યું હતું કે ગુજરાતે એમીશન ટ્રેડિંગ સ્કીમને એક હકારાત્મક અભિગમ સાથે અપનાવી છે અને આવનારા દિવસોમાં એ પ્રકારના કાર્બન માર્કેટને પણ વિકસિત કરવામાં આવશે.
ગુજરાતમાં વન્યજીવોની સુરક્ષા અને સતત વધી રહેલી આબાદી વિશે ઉલ્લેખ કરતા મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે, ગુજરાતમાં મેંગ્રોવ વૃક્ષોમાં વધારો, મીષ્ટી યોજના, વનકવચ, નમો વડ વન જેવા કાર્યોને પરિણામે આ દિશામાં ગુજરાતને અદભુત સફળતા મળી છે. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગ જગતના વિકાસ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગુજરાત સરકારની અગ્રિમ પ્રાથમિકતા રહી છે. ક્લાઇમેટ ચેન્જ જેવા વિષયોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોના લીધે વ્યાપાર વિશ્વ માટેની નવી સંભાવનાઓ ખુલી છે. મિશન લાઇફ તેમજ કાર્બડ ટ્રેડીંગ અને ગ્રીન ક્રેટિડની યોજના એ ભારત સરકારની નવતર પહેલ છે. પેરિસ એગ્રીમેન્ટ અંતર્ગત આ વિષયમાં જ્યારે વૈશ્વિક સહમતિ બનવામાં સમય લાગી રહ્યો છે ત્યારે ભારતે તેમાં સારી શરૂઆત કરી છે.
સેમિનારમાં વન-પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે ટુવર્ડ્સ નેટ ઝીરો (કાર્બન ટ્રેડિંગ એન્ડ ડીકાર્બોનાઇઝેશન ઓફ ઇકોનોમી) વિષયક સેમિનારમાં ગુજરાતના સંદર્ભમાં વિચારો વ્યક્ત કર્યા હતાં. મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આપણે જેમ જેમ આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કરી રહ્યા છીએ, તેમ તેમ વધુને વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કાર્બન ઉત્સર્જનનો સામનો કરવો એ માત્ર નૈતિક જરૂરિયાત જ નહીં પણ ઉદ્યોગ જગત માટે નવી તક પણ છે. આથી જ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દૂરંદેશીતાથી વર્ષ 2009માં દેશમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી.
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ડીકાર્બોનાઇઝેશનની ઘણી તકો છે. ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવાનું વિચારી રહ્યા છીએ. જેમાં ક્લાઈમેટ ચેન્જ ટેક્નોલોજી, ક્લાઈમેટ ચેન્જ ઈનોવેશન, કોસ્ટલ પોલ્યુશન અને મેનેજમેન્ટ જેવા બીજા ઘણા કોર્સ શરૂ કરવામાં આવશે. આનાથી ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં ઉત્તમ નિષ્ણાતો મળશે. ગુજરાત ગ્રીન ટેક્નોલોજી અને સસ્ટનેઇબલ પ્રેક્ટિસ આધારિત ગ્રીન ઇનોવેશન હબની સ્થાપના કરીને પ્રતિભા અને રોકાણ બંનેને આકર્ષી શકે છે. ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયાકાંઠાના વિસ્તારમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની અપાર સંભાવનાઓ છે. ગુજરાતમાં સૌર ઊર્જા અને પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 22,000 મેગા વોટને વટાવી ગઈ છે. રાજ્યમાં 30,000 મેગા વોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધિન છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરીને, ગુજરાત માત્ર ડીકાર્બોનાઇઝેશનમાં જ ફાળો આપશે નહીં પરંતુ દેશમાં સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં તેની સ્થિતિ મજબૂત કરશે.
પરિસંવાદમાં પ્રબુધ્ધોની ચર્ચા
આ કાર્યક્રમમાં ‘ડિકાર્બનાઇઝેશન ઓફ ઇકોનોમી’ અને ‘કાર્બન ટ્રેડીંગ’ વિષય પર બે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપાર ક્ષેત્ર, સરકાર અને સંસ્થાઓ જે વિવિધ પગલાઓના માધ્યમથી વાતાવરણમાં ગ્રીન હાઉસ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડવાની કામગીરીને ડિકાર્બનાઇઝેશન કહેવામાં આવે છે. આ ચર્ચાઓમાં જાણીતી કંપનીઓ, સંસ્થાઓ અને સંલગ્ન ક્ષેત્રના તજજ્ઞોએ આ વિષયો પર ગહન ચર્ચા કરીને સૌને માહિતગાર કર્યા હતા.
પરિસંવાદમાં ઉપસ્થિત ટોરેન્ટ પાવર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જીનલ મેહતાએ જણાવ્યું હતું કે, આ દિશામાં આગળ વધવા માટે રિન્યુએબલ ક્ષેત્રના સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડવું ખૂબ જરૂરી છે. તેના માટે રાઉન્ડ ધ ક્લૉક કામગીરી જરૂરી છે અને સાથે મળીને જ આપણે નેટ ઝીરોના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરી શકીએ છીએ.
એમ્બેસી ઓફ ફિનલેન્ડ તરફથી કાઉન્સેલર કિમોન સીરાએ જણાવ્યું કે આ એક ટેક્નિકલ ઇશ્યૂ છે. જેમાં એક ચોક્કસ સિસ્ટમ બનાવીને કામ કરવાની ખાસ જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે ફીનલેન્ડ 2035 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બની જશે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સ્ટ્રેટેજીક ઇન્ટિગ્રેશનના લીડ ઓલિવિયા ઝેડલરે ડિકાર્બનાઇઝેશનની કામગીરીમાં ઉદ્યોગોને એકસાથે લાવવામાં રહેલા પડકારો અને કામગીરી વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અત્યારે સ્થિતિ એવી છે કે ઇન્ડસ્ટ્રીમાં અરસપરસ સંવાદ ઓછો છે. વૈશ્વિક સ્તર પર ઇન્ડસ્ટડ્રીઅલ સેક્ટર 32 ટકા કાર્બન ઉત્સર્જન કરે છે. અમે ઉદ્યોગોનો એકસાથે લાવવાની કામગીરી કરી રહ્યા છીએ જેથી તેમની અંદર એક શેર્ડ વિઝનનું નિર્માણ થાય અને આપણે પરિણામો લાવી શકીએ.
આ પરિસંવાદમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે.સારશ્વતે ભારતના લક્ષ્યાંકો અને 2070 સુધી નેટ ઝીરોના લક્ષ્યને પ્રાપ્ત કરવાના રોડમેપ, તેમાં રહેલી તકો અને પડકારો અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ONGC લિમિટેડના ચેરમેન અને સીઇઓ શ્રી અરુણ કુમાર સિંઘે આવનારા દિવસોમાં ONGC દ્વારા જે કામગીરી કરવાની છે તેની રજૂઆત કરી હતી. નોર્વેના એમ્બેસેડર મે એલિન સ્ટેનરે નોર્વેના ભારતમાં રોકાણ અને બન્ને દેશોની ભાગીદારી વિશે સૌને માહિતગાર કર્યા હતા.