એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદ: આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે. જૂન મહિના સુધી તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. આ માટે આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી વધી જશે. એપ્રિલના અંતથી ગુજરાત સહિત ૨૩ રાજ્યોમાં હીટવેવની શક્યતા છે.

એપ્રિલમાં સતત ૨૦ દિવસ સુધી લૂ ફેંકાય તેવી શક્યતા છે. તો આ વર્ષે ગરમી જૂન મહિનામાં તમામ રેકોર્ડ તોડી શકે છે. મેદાની વિસ્તારોમાં લૂની અસર વધુ રહેવાની શક્યતા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે. જોકે, આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે, આખો એપ્રિલ મહિનો ગરમીનો માર સહન કરવાનો નહિ આવે. કારણ કે, એપ્રિલની શરૂઆતમાં જ કમોસમી વરસાદ દસ્તક આપશે. કમોસમી વરસાદને કારણે ગરમીના પારામાં ઘટાડો થઈ શકે છે.

ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે નવી આગાહી આવી છે. એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. ૨૦ એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ ૪૩ ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.