વડોદરામાં દક્ષિણ ઝોનમાં સોમવારે સાંજે પાણીકાપ

વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને ૪ દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.

વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.

વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના સોમા તળાવ બુસ્ટર ખાતે પંપીગ મશીનરી અપગ્રેડેશનના ભાગરૂપે નવીન પંપના સક્શન લાઇનનું હયાત ૯૦૦ ડાયના ફીડર લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી તેમજ તરસાલી ટાંકી ખાતે જૂના ટ્રાન્સફોર્મરના સ્થાને એક નવું ટ્રાન્સફોર્મર બેસડવાની કામગીરી ૨૭ ડિસેમ્બરના રોજ સોમવારે સવારના પાણી વિતરણ બાદ કરવામાં આવશે. જેથી તરસાલી ટાંકી, જાંબુવા ટાંકી, સોમા તળાવ બુસ્ટર, એરફોર્સ બુસ્ટર ખાતે આજવા ડેમથી મળતો પાણી પુરવઠો સવારે ૧૦ વાગ્યાથી સાંજ ૪ વાગ્યા સુધી નહીં મળે. જેથી આ ટાંકી વિસ્તારોમાંથી સોમવારે સાંજના સમયે પાણીનું વિતરણ કરવામાં નહીં આવે. તેમજ જામ્બુઆ ટાંકી ખાતે ૨૮ ડિસેમ્બરને મંગળવારે સવારનું પાણી વિતરણ નહીં કરવામાં આવે. જ્યારે તરસાલી ટાંકીથી ૨૮ ડિસેમ્બર મંગળવારે કામગીરી પૂર્ણ થયા બાદ સવારનું પાણી વિલંબથી, ઓછા સમય માટે અને હળવા પ્રેસરથી આપવામાં આવશે.