ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૦૩ મેગા-ઈનોવેટીવ એકમોને રૂ.૪૭૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ગાંધીનગર: સમગ્ર દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ છે.રાજ્યમાં ઉદ્યોગના વિકાસ માટે સરકાર અનેકવિધ પગલાં લઈ રહી છે. ગુજરાતમાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મેગા- ઇનોવેટિવ ઉદ્યોગોને સહાય યોજના હેઠળ ત્રણ એકમોને રૂ.૪૭૫ કરોડથી વધુની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે તેમ, સુરત- ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ બલર દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતાં વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
ઉદ્યોગ મંત્રી રાજપૂતે પેટા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૯માં મેગા-ઇનોવેટિવ ઉદ્યોગોને સહાય આપવાની યોજના શરૂ કરી હતી. આ માટે રૂ.૧,૦૦૦ કરોડનું મૂડી રોકાણ તેમજ અંદાજે ૨,૦૦૦ને રોજગારી આપવાના ધારાધોરણ ધરાવતા ઉદ્યોગ જૂથને આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો સહાયના પરિણામે સાણંદ, માંડલ અને બેચરાજી વિસ્તાર આજે ‘ઓટો હબ’ તરીકે ઓળખાય છે. આ સિવાય વડોદરા-પંચમહાલ જિલ્લામાં પણ ઓટો ક્ષેત્રે વૈશ્વિક કક્ષા ઉદ્યોગો વિકસ્યા છે, જેમાં હજારો યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ ઉદ્યોગની માંગણી અને વિસ્તાર મુજબ સરકારના ધારા-ધોરણ અંતર્ગત સહાય આપવામાં આવે છે, તેમ પણ મંત્રી બલવંતસિંહે ઉમેર્યું હતું.