હમાસના હુમલામાં ૭૦૦થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત, ૨૦૦૦થી વધુ ઘાયલ થયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણનો ભોગ નિર્દોષ નાગરિકો બન્યા છે. અત્યાર સુધીમાં બહાર આવેલા આંકડા પ્રમાણે ૭૦૦ જેટલા ઈઝરાયેલી નાગરિકોના મોત થઈ ચુક્યા છે જ્યારે કે ૨૦૦૦ કરતા પણ વધારે લોકો ઘાયલ હોવાના સમાચાર મળી રહ્યા છે. દેશ દુનિયામાં આ હુમલા અને મિની વોરની ચર્ચા ચાલી રહી છે.

આ હુમલાના પગલે દુનિયાના દેશો પણ અલગ અલગ છાવણીમાં ફેરવાઈ ગયા છે. બ્રિટીશ અને યુરોપિયન દેશ ખુલીને ઈઝરાયેલની તરફેણમાં આવી ગયા છે, તો ભારતે પણ ઈઝરાયલનું જ સમર્થન કરી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી નાખ્યું છે. ઈઝરાયલના સંરક્ષણ દળના વડાએ આ હુમલાને ૯/૧૧ પ્રકારના હુમલા સાથે સરખામણી કરી છે. હમાસના હુમલા વચ્ચે ઈઝરાયલ હવે અસ્સલ પોતાની ઢબે લડાયકતા પર આવી ગયું છે અને ગાઝામાં તેણે અનેક ઠેકાણે ભિષણ હુમલાઓ કરીને દુશ્મનોને કડક સંદેશ આપી દીધો છે કે તેમણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. ઉત્તર ઇઝરાયેલમાં લેબનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબોલ્લાહ સાથેની અથડામણોએ વ્યાપક સ્તરે યુદ્ધની આશંકા ઊભી કરી છે..

ગાઝા તરફથી કરવામાં આવેલિ હુમલાને ૨ દિવસ જેટલો સમય થઈ ગયો છે અને જાનમાલની ખુંવારી હવે દેખાવા લાગી છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધ બાદ હવે આ બીજું એવું વોર છે કે જેમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને નુક્શાન પણ એટલું જ છે. ઈઝરાયેલ મિડિયા મુજબ હમાસના આતંકવાદીઓએ હજારો રોકેટ છોડ્યા હતા. આ આતંકવાદીઓએ સુરક્ષાનો ઘેરો તોડીને સરહદની આસપાસના વિસ્તારોમાં પ્રવેશ કર્યો હતો. ગાઝા વિસ્તારમાં આતંકવાદીઓએ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બંધક બનાવ્યા હોવાની વિગતો પણ સપાટી પર આવી રહી છે. બની શકે છે કે પેલેસ્ટિયન કેદીઓને છોડાવવા માટે આ નાગરિકોનો ઉપયોગ કરાઈ શકે છે.

અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિંકને સીએનએનને જણાવ્યું હતું કે અમેરિકાની જાણમા આવ્યું છે કે ઘણા અમેરિકન નાગરિકોના પણ મોત થયા છે, જો કે એજન્સી તેની ખરાઈ કરી રહી છે.. હમાસ તરફથી કરવામાં આવેલા હુમલા વચ્ચે ઈઝરાયેલની ઘણા નાગરિકો મોતને ભેટ્યા છે, ઘણાને હમાસના આતંકીઓ ઉઠાવી ગયા છે.

આવા પ્રકારની સ્થિતિએ પીએમ નેતન્યાહુ સામે સવાલ ઉભા કર્યા છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ઈઝરાયલનું નાના આવા વિસ્તારો પર પ્રભુત્વ છે જો કે આ હુમલા પછી તેના પર સવાલ યા નિશાન લાગી ગયા છે. જો કે દેશના નાગરિકોનું મનોબળ ટકાવી રાખવા માટે બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે દેશ યુદ્ધ લડી રહ્યો છે અને દુશ્મનોને ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે આ યુદ્ધ લાંબો સમય સુધી ચાલી શકવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.

આતંકવાદી હુમલો કહો કે પછી આતંકવાદીઓએ છેડી દીધેલા વોર કહો, પણ આ ઘટનામાં બંને બાજુના નાગરિકોએ યુદ્ધની ભારે કિંમત ચૂકવવી પડી છે. હમાસના હુમલામાં ઈઝરાયેલના સૈનિકો સહિત ૭૦૦ લોકોના મોત થયા હોવાનો દાવો છે તો ગાઝાના અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં ઓછામાં ઓછા ૩૧૩ લોકોના મોત થયા છે. બંને પક્ષે લગભગ ૨,૦૦૦-૨,૦૦૦ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલના એક અધિકારીએ જણાવ્યું કે સેનાએ ૪૦૦ આતંકીઓને ઠાર કર્યા છે અને ઘણા આતંકીઓને પકડી લેવામાં આવ્યા છે.