આણંદ કૃષિ યુનિવર્સિટીમાં AGRICULTURAL MARKª INTELLIGENCE વિષય ઉપર સર્ટિફિકેટ કોર્સનું આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે વર્લ્ડ બૅન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ, NAHEP-CAAST ‌ પ્રોજેક્ટ દ્વારા “AGRICULTURAL MARKª INTELLIGENCE” વિષય ઉપર તા.૨૩ ફેબ્રુઆરી થી ૧૦ માર્ચ,૨૦૨૩ દરમ્યાન સર્ટિફિકેટ કોર્સનું આયોજન કુલપતી ડો. કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનાં ઉદધાટનમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી.કથીરીયાએ જણાવ્યું હતું કે પાકના પોષણક્ષમ ભાવની આગાહી ઘણા બધા માપદંડ ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. કૃષિક્ષેત્રે વાવણીથી લઈને લણણી સુધીની બધી પ્રવૃતિઓનું મેનેજમેન્ટ કરવું આવશ્યક છે જેમાં રોગ, વાતાવરણ, વિસ્તાર વગેરે માટેની માહિતી ભેગી કરવી જોઈએ અને ત્યારબાદ બજારમાં ઇન્ટેલીજન્સ પ્રસારિત કરવામાં આવે તો ચોક્કસપણે તેમાં સફળતા મેળવી શકાય છે.

વળી લણણીની સિઝનમાં પાકમાં મૂલ્યવર્ધન, નિકાસ વેગેરે ઉપર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને ખેડૂતમિત્રોને તેમની ઊપજનો સારામાં સારો ભાવ મળી શકે. આ પ્રસંગે મુખ્ય અતિથિપદે ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રિકલ્ચરલ માર્કેટિંગના સેક્રેટરી ડૉ. ટી. સત્યનારાયણએ એગ્રિકલ્ચરલમાં ડિમાન્ડ સપ્લાય પ્રોજેક્શન માટે રહેલી વિવિધતા અને તેમાં રહેલી મુશ્કેલીઓ અને તકો ઉપર ભાર મૂક્યો હતો. એગ્રિકલ્ચર માર્કેટિંગ સંવેદનશીલ વિષય છે જેથી નાહેપ- કાસ્ટ પ્રોજેક્ટ દ્વારા આ તાલીમ કાર્યક્રમ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમજ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા વધુમાં વધુ આ વિષય ક્ષેત્રે સંશોધન કરવામાં આવે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. સંશોધન નિયામક, ડો. એમ. કે. ઝાલાએ તેમના ઉદબોધનમાં જણાવેલ કે માર્કેટ ઇન્ફોર્મેશન પરથી માર્કેટ ઇન્ટેલિજન્સનો કઈ રીતે ઉપયોગ કરવો જેથી કરીને નવા ઉધોગ સાહસિકો માર્કેટમાં ટકી શકે અને એગ્રિકલ્ચરની વિવિધ માહિતીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર ડો.આર.એસ.પુંડીરે પ્રોજેક્ટની પ્રવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમમાં આવરી લેવાતા વિષયો વિશે જણાવી તાલીમ કાર્યક્રમનું મહત્વ જણાવ્યું હતું. તેમજ નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટ દ્વારા વ્યાખ્યાન, વેબીનાર, સેમિનાર, વર્કશોપ, સર્ટિફિકેટ કોર્સ સાહિત ૧૦૦ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ સર્વેને શુભેચ્છા પાઠવી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં ડો. વાય.એ.લાડએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, જોડાનારા સહકર્મીઓ, વિદ્યાર્થીઓનું અને કાર્યક્રમમાં સંકળાયેલ તમામ સહભાગીઓનો આભાર માની ઉદઘાટન કાર્યક્રમનું સમાપન કર્યું હતું.