રેતી માફિયાઓ પર NGTનો ‘હથોડો’: નદીના પટમાં ખનન હવે ‘ઔદ્યોગિક પ્રવૃત્તિ’ ગણાશે
- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ અત્યંત કડક વલણ અપનાવ્યું
- CTE અને CTO મંજૂરી વગર રેતી કાઢી તો જેલના સળિયા ગણવા પડશે
- નદીના કુદરતી પ્રવાહમાં આડશ ઉભી કરનારા સામે લાલ આંખ
ગુજરાત સહિત દેશભરની નદીઓના છાતી ચીરીને બેફામ રેતી ચોરી કરતા તત્વો અને નિયમ વિરૂદ્ધ ખનન કરતા લીઝ ધારકો સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઉત્તર પ્રદેશના કાનપુર અને ઉન્નાવ વિસ્તારમાં થયેલા ગેરકાયદે ખનન અંગેના એક કેસની સુનાવણી દરમિયાન NGTએ ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે કે, નદીના પટમાં થતું રેતીનું ખાણકામ એ માત્ર સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ તે એક ‘ઔદ્યોગિક પ્રવૃત્તિ’ (Industrial Activity) છે. આ નિર્ણય સાથે હવે રેતી ખનન માટે ‘વોટર એક્ટ’ અને ‘એર એક્ટ’ હેઠળ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી લેવી ફરજિયાત બનશે.
ન્યાયાધીશ અરૂણ કુમાર ત્યાગી અને નિષ્ણાત સભ્ય ડૉ. અફરોઝ અહમદની બેન્ચે ‘અમન ચૌધરી વિરૂદ્ધ ભારત સરકાર’ (OA No. 176/2022) કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે, મેન્યુઅલ (હાથથી) ખોદકામ સિવાયની તમામ ખાણકામ પ્રવૃત્તિઓ પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવે છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે રેતી ખનન એ નદીના ઇકોસિસ્ટમ અને મોર્ફોલોજી ને નુકસાન પહોંચાડે છે, તેથી તેને બિન-પ્રદૂષિતમાં ગણી શકાય નહીં.
CTE અને CTO વગર ખનન ગેરકાયદે અત્યાર સુધી ઘણા લીઝ ધારકો માત્ર પર્યાવરણીય મંજૂરી (EC)ના જોરે કામ કરતા હતા, પરંતુ હવે, CTE (Consent to Establish): સ્થાપના માટેની સંમતિ અને CTO (Consent to Operate): સંચાલન માટેની સંમતિ પ્રમાણપત્ર લેવા ફરજિયાત છે. આ બંને પ્રમાણપત્રો પ્રદૂષણ બોર્ડ પાસેથી લેવા પડશે. જો આ મંજૂરી નહીં હોય, તો તેને માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નહીં, પણ પર્યાવરણીય મંજૂરીનો સીધો ભંગ માની કાર્યવાહી કરવામાં આવશે.
નદીના પ્રવાહમાં રસ્તો બનાવવો ગુનો કેસની વિગતો મુજબ, કાનપુરમાં ગંગા નદીના મુખ્ય પ્રવાહમાં એક એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો, જેણે નદીના કુદરતી વહેણને અવરોધ્યો હતો. NGTએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવી છે. આ ઉપરાંત, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અને ગ્રીન બેલ્ટ વિકસાવવામાં નિષ્ફળ રહેલા લીઝ ધારકો સામે પણ દંડાત્મક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
ટ્રિબ્યુનલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓના વિરોધાભાસી વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. અધિકારીઓની દલીલ હતી કે રેતી ખનનથી પ્રદૂષણ થતું નથી, જેને કોર્ટે ‘વૈજ્ઞાનિક રીતે ખોટી’ ગણાવી ફગાવી દીધી હતી. હવેથી તમામ ખાણકામ લીઝ અને મંજૂરીઓની વિગતો સરકારી વેબસાઈટ પર સાર્વજનિક કરવી પડશે.
આ ચુકાદો સમગ્ર દેશ માટે બંધનકર્તા હોવાથી ગુજરાતની નર્મદા, મહી અને સાબરમતી જેવી નદીઓમાં ચાલતી લીઝો પર તેની મોટી અસર પડશે. ગેરકાયદે રીતે નદીમાં પાળા બાંધનારા કે મંજૂરી વગર મશીનો ઉતારનારા માફિયાઓએ હવે સીધી જેલની હવા ખાવી પડી શકે છે.










