સાયખા GIDC પ્રદૂષણ મામલે NGTનું કડક વલણ, 5 ઉદ્યોગો સામે વિગતવાર કાર્યવાહી, 10 માર્ચે આગામી સુનાવણી
- સાયખા GIDCમાં પર્યાવરણીય કટોકટી – વિકાસના નામે વિનાશનું વરવું ચિત્ર
- ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો બની રહ્યા છે ‘પ્રદૂષણના હોટસ્પોટ’
- NGTના આદેશ બાદ, GPCBએ પાંચ કંપનીઓ સામે ક્લોઝર અને કારણદર્શક નોટિસ ફટકારી
ભરૂચ: ઔદ્યોગિક ક્રાંતિના નામે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો કેવી રીતે ‘પ્રદૂષણના હોટસ્પોટ’ બની રહ્યા છે તેનું તાજું ઉદાહરણ ભરૂચની સાયખા GIDCમાં જોવા મળ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)માં ચાલી રહેલી કાનૂની લડાઈ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના તાજેતરના અહેવાલોએ સાબિત કર્યું છે કે અહીંના ઉદ્યોગો નફાની લાલચમાં પર્યાવરણીય કાયદાઓના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
GPCB દ્વારા 18 ડિસેમ્બર 2025ના રોજ હાથ ધરવામાં આવેલા નિરીક્ષણમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા છે. જેમાં, મેસર્સ સ્કાય ઇન્ટરમીડિએટ્સ જેવા એકમોમાં છત પરથી છૂપી પાઈપલાઈન દ્વારા ગાઢ વાદળી (Dark Blue) રંગનું કેમિકલયુક્ત પાણી સીધું ખુલ્લા પ્લોટમાં છોડવામાં આવતું હતું. આ માત્ર નિયમનું ઉલ્લંઘન નથી, પરંતુ સ્થાનિક ઇકોસિસ્ટમ પરનું સીધું આક્રમણ છે. આશરે 250 મીટરના પરિઘમાં કેમિકલના ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે, જે ધીમે ધીમે ભૂગર્ભ જળમાં ઉતરી રહ્યા છે.
NGTના આદેશ બાદ, GPCBએ મેસર્સ સેજલ કેમ ટેક ઇન્ડસ્ટ્રીઝ, મેસર્સ શ્લોકા ડાયઝ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ એરીઝ કલર કેમ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ સ્કાય ઇન્ટરમીડિએટ્સ અને મેસર્સ હોર્બેક્સ મેડિસિન્સ એમ કુલ પાંચ કંપનીઓને ક્લોઝર અને કારણદર્શક નોટિસ ફટકારી છે.
આ એકમોમાં એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) માત્ર કાગળ પર અથવા ‘શો-પીસ’ તરીકે કાર્યરત હોવાનું જણાયું છે. પ્રવાહ માપવા માટેના ‘ફ્લો મીટર’નો અભાવ સૂચવે છે કે કેટલું ઝેરી પાણી પ્રકૃતિમાં ઠાલવવામાં આવ્યું તેનો કોઈ સત્તાવાર રેકોર્ડ જ રાખવામાં આવ્યો નથી.
અરજદાર આદિત્યસિંહ ચૌહાનની રજૂઆત મુજબ, આ પ્રદૂષણની અસર માત્ર જમીન પૂરતી મર્યાદિત નથી. દિવ્ય ભાસ્કરના અહેવાલને ટાંકીને જણાવાયું છે કે ઝેરી પાણી પીવાથી ચાર પશુઓના મોત નીપજ્યા છે. સાયખા વિસ્તારમાં ખેતી અને પશુપાલન પર નભતા પરિવારો માટે આ અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. પ્રદૂષિત પાણીને કારણે જમીન બિનફળદ્રુપ બની રહી છે અને ભૂગર્ભ જળ હવે પીવાલાયક રહ્યું નથી.
જસ્ટિસ દિનેશ કુમાર સિંહની બેંચે આગામી સુનાવણી 10 માર્ચ 2026ના રોજ નિર્ધારિત કરી છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું છે કે માત્ર દંડ પૂરતો નથી; થયેલા નુકસાનનું વળતર (Environmental Compensation) અને જમીનનું પુનઃસ્થાપન (Restoration) અનિવાર્ય છે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT), પશ્ચિમ ઝોન બેન્ચ, પુણે દ્વારા ઓરિજનલ એપ્લિકેશન નં.128/2025 (WZ) મામલે તા. 04 ફેબ્રુઆરી, 2026ના રોજ આવા એકમોને નોટિસ ફટકારવાનો મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. આ અરજી આદિત્યસિંહ ચૌહાન દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાખયા જીઆઈડીસી વિસ્તારમાં ઔદ્યોગિક ગંદા પાણીના અયોગ્ય નિકાલ, જમીન તથા ભૂગર્ભ જળ પ્રદૂષણ અને પર્યાવરણને થયેલ નુક્શાન અંગે દાખલ કરવામાં આવી હતી.
પરંતુ પ્રશ્ન એ થાય છે કે, શું GPCB જેવી સંસ્થાઓ માત્ર કોર્ટના આદેશ પછી જ જાગશે? સાયખા GIDCની આ ઘટના ભારતના ઔદ્યોગિક વિસ્તારોમાં નબળા નિયમન અને ઉદ્યોગોની બેદરકારીનું વરવું ઉદાહરણ છે. જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે, તો ‘વિકાસ’ની આ કિંમત આવનારી પેઢીઓએ ચૂકવવી પડશે.










