નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા નાંદોદ-ડેડીયાપાડામાં ખેડૂત દિવસની કરાઈ ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા નાંદોદ અને ડેડીયાપાડા તાલુકામાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ કૃષિ નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી ખેડૂતોને નવી ખેતી પધ્ધતિ વિશે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા ખેડૂત દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા નાંદોદ અને ડેડિયાપાડા તાલુકામાં ખેડૂત શિબિર યોજાઇ હતી. આ કાર્યક્રમ અંતર્ગત બાગાયત નિયામક ડૉ.પી.એમ.વઘાસીયા અને સંયુક્ત બાગાયત નિયામક ડૉ.બી.પી.રાઠોડ દ્વારા ગુગલ લાઇવ મીટ ઓનલાઇન પ્લેટફોર્મથી જોડાઇને પોષણ, ફુડસિક્યોરિટી, કિચન ગાર્ડન, બાગાયતી યોજના વિશે ખેડુતોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ. નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત નાંદોદ તાલુકાના ધાનપોર ગામે અને દેડિયાપાડા તાલુકાના કે.વી.કે. ડેડીયાપાડા ખાતે ખેડૂત શિબિર યોજાઇ હતી. નાંદોદ તાલુકામાં આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા. નાંદોદ તાલુકાના ધાનપોર ખાતે યોજાયેલી ખેડૂત શિબિરમાં નર્મદા જિલ્લાના નાયબ બાગાયત નિયામક નિતિનકુમાર વી.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં સરકારના બાગાયત વિભાગ અને ખેડુતલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત ખેડુતોને માહિતગાર કર્યા હતા. સાથોસાથ નાયબ ખેતી નિયામક (તાલીમ) દિપક શિનોરાએ સુભાષ પાલેકર ગાય આધારીત પ્રાકૃત્તિક ખેતી વિશે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. આ તબક્કે બાગાયત અધિકારી અતિક એમ.મુલ્લાએ બાગાયત વિભાગની ખેડુતલક્ષી યોજનાઓ વિશે, મહિલા વૃત્તિકા યોજના, મુલ્ય વર્ધન તથા તાલીમ વિશે ઉંડાણપૂર્વક માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ. આ કાર્યક્રમાં ઉપસ્થિત અને પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગરૂડેશ્વર તાલુકાના પ્રગતિશીલ ખેડૂત રાજેશ તડવીએ પોતે કરેલી પ્રાકૃત્તિક ખેતીના અનુભવો શિબિરમાં ઉપસ્થિત ખેડુતો સમક્ષ પ્રસ્તૃત કર્યા હતા.