જામનગરમાં વરસાદથી ૪ હજારથી વધુ ગણેશજીની મૂર્તિ ઓગળી ગઈ

જામનગરમાં ગણેશ ઉત્સવ પહેલા વિઘ્નહર્તાની મુર્તિ બનાવનાર પરિવારને વરસાદ વિઘ્ન નડ્યુ છે અને ૧૦ માસમાં તૈયાર કરાયેલ વિઘ્નહર્તાની મુર્તિમાં વરસાદી પાણી ફરી વળતા મુર્તિઓ ફરી માટી બની ગઈ છે. ૪ હજારથી વધુ મુર્તિઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તમામ મુર્તિઓ ગણેશ ઉત્સવ પહેલા જ વિસર્જન થઈ ગઈ છે.જામનગર શહેરમાં શુકવારે ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં શહેરના ગુલાબનગર પાસે આવેલા નારણનગરમાં વિઘ્નહર્તાની મુર્તિ બનાવનારના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. આ વરસાદી પાણીમાં ઘરવખરીને તો નુકશાન થયુ છે. સાથે પરિવારની ૧૦ માસની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.

નારણનગરમાં રહેતા અતુલ પ્રજાપતિ જે જાણીતા મૂર્તિ કલાકાર છે. ગણેશ ઉત્સવ દરમિયાન માટીના ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિ બનાવે છે. ગણેશની મુર્તિ ગણેશ ઉત્સવના ૧૦ માસ પહેલાથી બનાવવાનુ શરૂ કરે છે. પરિવારના ૯ સભ્યો દૈનિક ૧૦થી ૧૨ કલાક સુધી મહેનત કરીને માટીના ગણેશજીની મુર્તિ તૈયાર કરી. હાલ સુધી કુલ ૪૨૦૦ જેટલી નાની-મોટી ગણેશની માટીની મુર્તિ તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી ૧૦૦ જેટલા મુર્તિના એડવાન્સ ઓર્ડરનુ બુકીંગ કરવામાં આવ્યુ હતુ.માટીના ગણેશજીની મુર્તિ તૈયાર કરવા ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. જેને રંગથી રંગીને મુર્તિઓ તૈયાર કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ બાદ મુર્તિનું વિસર્જન પાણીમાં થઈ શકે તે પ્રકારની માટીની મુર્તિઓ તૈયાર કરી હતી. પરંતુ ગણેશ ઉત્સવ પહેલા જ વરસાદી પાણી ઘરમાં ફરી વળતા ઉત્સવ પહેલા જ ગણેશજીનું ત્યાં જ વિસર્જન થયુ છે.અડધા ફુટની નાની મુર્તિથી લઈને સાડા પાંચ ફુટ સુધીની મુર્તિઓ તૈયાર કરવામાં આવી હતી. દર વર્ષે અંદાજે ૧૦ લાખની મુર્તિનો વેપાર પરિવાર કરતો હોય છે. પરંતુ આ વખતે અંદાજે ૪૨૦૦ જેટલી મુર્તિ પર પાણી ફરી વળતા મુર્તિ ફરી માટીના સ્વરૂપમાં આવી છે. જેનાથી મુર્તિ બનાવનાર ગરીબ પરિવારને અંદાજે ૮ લાખથી વધુનું આર્થિક નુકસાન થયુ છે.

વરસાદના વિરામમાં પાણી તો ઓસરીયા, પરિવાર ફરી ગણેશ ઉત્સવ સુધીમાં નવી મુર્તિ તૈયાર કરશે. જે માટે વધુ સમય કામ કરીને નવી મુર્તિ બનાવશે. ઓછો સમય હોવાથી માત્ર ૩૦૦ જેટલી મુર્તિ બની શકશે.જે માટે પરિવાર રાત-દિવસની મહેનત હાલથી શરૂ કરી છે.