વડોદરાના ખોડિયારનગરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો

વડોદરા શહેરમાં પ્રતિદિન પીવાના પાણીની સમસ્યા સામે આવતી હોય છે. એક તરફ લોકોને પીવાનું પાણી ચોખ્ખું મળવું, સમયસર મળવું અને પૂરતા પ્રમાણમાં મળવાની બૂમો ઉઠે છે, ત્યારે બીજી તરફ વારંવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પીવાનું પાણી પણ વેડફાઇ રહ્યું છે.

કોર્પોરેશનના સંકલનના અભાવે તેમજ જાણે ભ્રષ્ટાચારની હવાને વેગ આપવા વારંવાર પીવાના પાણીની લાઈન, ડ્રેનેજ લાઈનોમાં ભંગાણ તથા નિયત સ્થળોએ ભુવાની ઘટના બની રહી છે. આ પ્રકારની ઘટનાઓ ઘટયા બાદ કોર્પોરેશન તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરી સમસ્યાનું નિરાકરણ લાવે છે. પરંતુ, વારંવાર એક જ સ્થળે સર્જાતી આ પ્રકારની સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ લાવતી નથી. પરિણામે નાણાંનો પણ વેડફાટ થાય છે.

ફરી એક વખત ખોડિયારનગર ચાર રસ્તા પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પરિણામે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આવી ઘટનાઓ ઉજાગર કરનાર સામાજિક કાર્યકર્તાનો હેતુ માત્ર લોકોને સમસ્યામાંથી વહેલી તકે છુટકારો મળે અને તંત્રનોસમય સાથે નાણાંનો વ્યય થતો બચે તેવો પ્રયાસ છે.વડોદરા શહેરમાં નિયત સ્થળોએ પાણી અને ડ્રેનેજની લાઇન લીકેજ થવી તથા ભુવા પડવાનો સિલસિલો બંધ થવાનું નામ લેતું નથી. ખોડિયારનગર ચાર રસ્તા ખાતે વારંવાર લીકેજ થતી પાણીની લાઇનમાં વધુ એક વખત ભંગાણ સર્જાયું છે. પાણીની લાઇનમાં ભંગાણના પગલે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.