આગામી સપ્તાહમાં રાજ્યભરમાં માધ્યમથી ભારે વરસાદની સંભાવના

ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરી રાહત કમિશનરશ્રી દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે માહિતી આપતા IMD ના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી આ૫વામાં આવી હતી.

સિંચાઇ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયો અંગે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૮૭ જળાશય હાઈએલર્ટ, ૧૬ જળાશય એલર્ટ અને ૧૫ જળાશય વોર્નિંગ પર છે. આમ, સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશય પૈકી ૧૧૯ જેટલા જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયેલા છે.

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ બેઠકમાં કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી., પંચાયત, કોસ્ટગાર્ડ, ઊર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, GSDMA એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.