દિલ્હી- NCRમાં મેધરાજાની મહેર : ૧૯ વર્ષનો રેકોડ તોડ્યો

ભારતીય હવામાન વિભાગે ૫ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ લોકોને વરસાદના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારની સ્થિતિને જોઈને હવામાન વિભાગ તરફથી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ધોધમાર વરસાદને કારણે મિન્ટો બ્રિજ, આઈટીઓ સહિત ઘણાં વિસ્તારોમાં કાર ફસાઈ ગઈ હતી. દિલ્હીના લોદી ગાર્ડન, આઈજીઆઈ એરપોર્ટ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વિજળીના કડાકા-ભડાકા સાથે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રાજધાની દિલ્હીના ઘણાં વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. છેલ્લાં બે દિવસથી પડતો સતત વરસાદ ગુરૂવારે પણ જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારો જળબંબાકાર બન્યાં હતા. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારથી આવી રહેલા ધોધમાર વરસાદને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી.

ધોધમાર વરસાદ અને રસ્તા જળબંબાકાર થયા હોવાથી લોકોએ ઘરમાંથી બહાર જવાનુ ટાળ્યું હતું. દિલ્હીમાં ભારે વરસાદને કારણે જાહેર માર્ગો પર પાણી ભરાયુ છે. જેના કારણે લોકોને રસ્તા પર ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં સતત બે દિવસથી મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ગઈકાલે ૧૯ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. છેલ્લાં ૨૪ કલાકમાં ૧૧૨.૧ મિમી વરસાદ નોંધાયો છે. આ ૧૯ વર્ષમાં એક દિવસમાં સૌથી વધારે વરસાદ થયો છે. અગાઉ વર્ષ ૨૦૦૨માં ૧૨૬.૮ મિમી વરસાદ નોંધાયો હતો. ૧૯૬૧ થી ૨૦૨૧ સુધી ૬૧ વર્ષમાં આ પાંચમી વખત છે, જ્યારે સપ્ટેમ્બરમાં ૨૧ કલાકમાં આટલો વરસાદ પડ્યો. જેનાથી મહત્તમ તાપમાન સામાન્યથી ૬ ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન સામાન્ય થી ત્રણ ડિગ્રી ગગડ્યુ.