મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની ગાંધીનગર ખાતે થઈ શપથવિધિ

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની ગાંધીનગર ખાતે થઈ શપથવિધિ. ૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ – ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીશ્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓએ લીધા શપથ.

ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.

રાજ્યપાલશ્રી સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રી જીતેન્દ્રભાઇ વાઘાણી, શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી પૂર્ણેશકુમાર મોદી, શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી પ્રદીપભાઇ પરમાર, શ્રી અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી જીતુભાઇ ચૌધરી, શ્રીમતી મનીષાબહેન વકીલ એ શપથ ગ્રહણ કર્યા હતાં.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી નિમીષાબહેન સુથાર, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી કુબેરભાઇ ડિંડોર, શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર. સી. મકવાણા, શ્રી વિનોદભાઇ મોરડીયા અને શ્રી દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.

આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી શ્રી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ  સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક શ્રી પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.