ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે અને ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, સાબરકાંઠા બનાસકાંઠા પંથકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફને કારણે રાજ્યભરમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇંડ્યુઝ સાઈઝર સક્રિય છે. ઈંડ્યુઝ સાઇઝર સિસ્ટમ વરસાદી વાદળો બનાવે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે. રાજ્યમાં દિવસ દરમ્યાન ભારે બફારો અનુભવાશે. માવઠાની સાથે ગરમીનો પણ અહેસાસ થશે.

આગાહી પ્રમાણે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ તેમજ પવનની ગતિ વધુ નોંધાઇ છે. ભારે પવન શરૂ થતા પદયાત્રીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ડાકોર પદયાત્રીઓનો અવિરત ઘસારો ડાકોરના ઠાકોર માટેની ભક્તિભાવના દર્શાવી રહી છે. ભારે ઉત્સાહ સાથે રથ લઈને જતા લોકોના જય રણછોડના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું.