અમદાવાદમાં શિવરંજનીથી સરખેજ હાઈવે સુધી ઈ-રીક્ષાની સર્વિસનો પ્રારંભ

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી બી. આર. ટી. એસ. બસોમાં મુસાફરી કરતા મુસાફરોને પડતી મુશ્કેલી નિવારવા પ્રાયોગિક ધોરણે સવાર-ઈ નામથી નવી સેવા શરૂ કરી છે. જેમાં બસ સ્ટોપ પર ઉતર્યા બાદ ગંતવ્ય સ્થાન સુધી જવાની સુવિધા શરૂ કરાઈ છે.

બીઆરટીએસ બસમાંથી ઉતર્યા બાદ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં તકલીફ પડતી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતને ધ્યાનમાં રાખીને એક રૂટ પર ૬ જેટલી ઈ-રીક્ષા શરૂ કરી છે. હાલમાં શિવરંજની બી.આર.ટી.એસ જંકશનથી પ્રહલાદનગર-સરખેજ હાઈવે સુધી આ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈપણ મુસાફર ૧૦ રૂપિયાની ટિકિટ લઈને સરખેજ હાઈવે સુધીની મુસાફરી કરી શકશે.

ઈ-રીક્ષાના ડ્રાઈવરને એક બુકલેટ આપવામાં આવી છે. જેમાંથી દરેક મુસાફરને ટિકિટ આપવામાં આવશે. ખાનગી કંપની સાથે પી.પી.પી ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેકટને હાલ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી સમયમાં બી.આર.ટી.એસના મુસાફરો સંખ્યા વધુ હોય તે સ્થળે પણ આ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવી શકાય છે.