મુંબઇના ચેમ્બૂર-વિક્રોલીમાં ભૂસ્ખલનઃ દિવાલ પડતા ૨૩ લોકોના મોત

ભારે વરસાદના કારણે ફરી માયાનગરી મુંબઈમાં આફત આવી ગઈ છે. મુંબઈમાં રાતથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે અને સ્થળે પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના ચેમ્બુર અને વિક્રોલી વિસ્તારમાં ભૂસ્ખલનને લીધે દીવાલ પડતાં ૨૩ લોકોનાં મોત થયા છે. મુંબઈમાં વાશી નાકા નજીક ન્યૂ ભારત નગરમાં ભારે વરસાદને પગલે શનિવારે મધરાતે એક વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેને લીધે દીવાલ ધસી પડી હતી. આ ઘટનામાં ૧૯ લોકો મૃત્યુ પામ્યાં છે અને બે લોકો રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. અન્ય ૪ લોકો વિક્રોલી નજીક ઇમારત તૂટી પડતા થયેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે.

આ અકસ્માત પંચશીલ ચાલી વિસ્તારમાં સૂર્ય નગર પાસે ભારે વરસાદને કારણે મધરાતે ૩.૩૦ વાગે આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક લોકો દબાયેલા હોવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. જેથી લોકોને બચાવવા માટે કાટમાળ દૂર કરી રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં શરું છે. જોકે સતત પડતા વરસાદના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં ૧૬ લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢવામાં આવ્યા છે અને મેડિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારજનોને વડા પ્રધાનના આપદા રાહત ભંડોળમાંથી ૨ લાખની સહાય અને ઈજાગ્રસ્તને ૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૃતકોના પરિવારજનોને ૫ લાખની સહાય અને ઈજાગ્રસ્તોને મફત સારવાર આપવાનું કહ્યું છે.

ભૂસ્ખલનને કારણે ૧૫-૨૦ ઝૂંપડીઓ તૂટી પડી છે અને એનડીઆરએફ દ્વારા તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આશંકા છે કે હજી ત્યાં વધારે લોકો દબાયેલા હોઈ શકે છે.

છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૨૫૩.૩ મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. છેલ્લા ૧૨ વર્ષમાં ત્રીજીવાર જુલાઈ મહિનામાં એક દિવસમાં આટલો વરસાદ પડ્યો છે. આઈએમડીના આંકડા અનુસાર આ પહેલા પણ ૧૫ જુલાઈ ૨૦૦૯ના રોજ મુંબઈમાં ૨૭૪.૧ મીમી વરસાદ પડ્યો હતો તો ૨ જુલાઈ ૨૦૧૯ના રોજ ૩૭૬.૨ મીમી વરસાદ પડ્યો હતો.

મહારાષ્ટ્રમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વરસાદ આફત બનીને આવ્યો છે. રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. તો વળી કેટલીય જગ્યાએ રેલવે ટ્રેક પાણીથી છલોછલ થઈ ગયા છે. નિચાણવાળા વિસ્તાર વધારે ખરાબ હાલતમાં આવી ગયા છે. માયાનગરીમાં શનિવારે રાતથી વરસાદ થવાના કારણે કેટલાય ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

શેરીઓમાં પાણી જોઇને લાગે છે કે જાણે પૂરનું પાણી શહેરમાં પ્રવેશી ગયું છે. વરસાદને કારણે, ચેમ્બુરની દિવાલ ધરાશાયી થતાં અને વિક્રોલીમાં બનેલી દુર્ઘટનામાં કુલ ૨૩ લોકોનાં મોત થયાં હતાં. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.

મહારાષ્ટ્રમાં અવિરત વરસાદને કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. રસ્તા પર પૂરને કારણે વાહનોની અવરજવરમાં ઘણી સમસ્યા છે. ઘણા વાહનોએ પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે વચ્ચે જ રોકાઈ ગયા હતા, જેના કારણે સમસ્યા હજી વધુ વધી ગઈ હતી.

શનિવારની રાતથી મહારાષ્ટ્રમાં વરસાદને કારણે મુંબઇના બોરીવલી પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદનું પાણી રસ્તા પર એટલું ઝડપથી વહી રહ્યું છે કે કોઈ પણ તેને જોઇને ડરી જાય છે. પાણીની ગતિ એટલી ઝડપથી છે કે રસ્તા પર પાર્ક કરેલા વાહનો વહી રહ્યા છે.

મુંબઈમાં વરસાદનું પાણી ઘૂંટણની નીચે આવી ગયું છે. લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને પણ વરસાદથી રાહત મળી છે. મુંબઇના સાયન શહેરમાં જળ ભરાયેલા કિંગ સર્કલની વચ્ચે કેટલાક લોકો પાણીમાં રમતા જોવા મળ્યા હતા.

મુંબઇમાં અવિરત વરસાદને કારણે સાયન રેલ્વે સ્ટેશનનો રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેવી જ રીતે ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશન નજીક પાટા ઉપર ભારે પાણી ભરાયા છે. પાટા ઉપર પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનોને રોકી દેવામાં આવી છે.

શનિવારે મોડી રાતથી મુંબઇમાં પડેલા મુશળધાર વરસાદને કારણે હનુમાન નગરથી કાંદિવલી સુધીના વિસ્તારમાં ઘૂંટણ-પાણી ભરાયા છે. વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયું છે. મુંબઈ અને આજુબાજુના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.