અમદાવાદમાં એક સપ્તાહ સુધી વરસાદ થવાની શક્યતાઓ નહિંવત

અમદાવાદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી હેરાન થઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં આગામી ૬ દિવસ સુધી વરસાદ થવાની કોઈ સંભાવના નથી. શહેરમાં છુટા છવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી જુલાઇના પ્રથમ સપ્તાહની શરૂઆત સુધી માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં જુલાઇના પ્રથમ સપ્તાહ બાદ જ વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના ૨૩ જિલ્લામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના ઉમરાળામાં દોઢ ઈંચ અને વલ્લભીપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨.૫૯ ટકા વરસાદ નોંધાયો છે.

ચોમાસાની વર્તમાન સિઝનમાં અમદાવાદ શહેરમાં અત્યારસુધી ૫.૧૧ ઈંચ જ્યારે અમદાવાદ જિલ્લામાં ૩.૭૪ ઈંચ સરેરાશ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. શહેરમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં બફારો વધ્યો છે. લોકો બફારાથી પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ નહીં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ જુલાઈના પ્રથમ સપ્તાહની શરુઆતમાં જ વરસાદ ફરીવાર શરૂ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.