ઔદ્યોગિક અકસ્માતોઃ સુરત અને અમદાવાદની ફેક્ટરીઓમાં છેલ્લા 2 વર્ષમાં આગની 80 ઘટનામાં 28ના મોત
ગાંધીનગરઃ રાજ્યની કંપનીઓમાં ઔદ્યોગિક અકસ્માતની ઘટના અવારનવાર બનતા હોય છે. આ અકસ્માતોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ જતા હોય છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનામાં 24 લોકોના મોત થયા છે.
31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને સુરતની ફેક્ટરીઓમાં આગ અને બ્લાસ્ટની કુલ 80 ઘટનાઓ બનવા પામી હતી. આ ઘટનાઓમાં કુલ 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 12 અને જિલ્લામાં 13 એમ કુલ 25 ઘટનાઓ બનવા પામી હતી. આ ઘટનાઓમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સુરત શહેર અને જિલ્લામાં બનેલી આગની ઘટનાઓની વાત કરીએ તો છેલ્લા બે વર્ષ દરમિયાન સુરત શહેરમાં 21 અને જિલ્લામાં 34 ઘટનાઓ મળીને કુલ 55 ઘટનાઓ બનવા પામી હતી. જેમાં 24 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 55 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને સુરતની ફેક્ટરીઓમાં આગની ઘટનાની સરખામણી કરીએ તો અમદાવાદમાં 25 અને સુરતમાં 55 ઘટના બનવા પામી હતી, જ્યારે છેલ્લા બે વર્ષમાં આ ઘટનામાં અમદાવાદમાં 4 તો સુરતમાં 24 લોકોના મોત થયા હતા. આમ અમદાવાદ કરતા સુરતમાં આગ લાગવાની ઘટના અને મોતનો આંકડો વધુ જોવા મળી રહ્યો છે.
વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીએ ઉપરોક્ત માહિતી આપવા સાથે જણાવ્યું હતુ કે ઔદ્યોગિક અકસ્માતોના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી. પરંતુ ઇએસઆઇ એક્ટ હેઠળ તથા વળતર અધિનિયમ હેઠળ સક્ષમ સત્તાધિકારી દ્વારા વળતર ચુકવવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે.