ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત એ પ્રથમ પસંદગીઃ અમિત શાહ

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલાનો મહત્મા મંદિર, ગાંધીનગર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. દેશ વિદેશના અનેક પ્રમુખો, રાજદ્વારીઓ, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ત્રિદિવસીય સમિટના સમાપન સમારોહમાં સંબોધતાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતુ કે, અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે ભૌતિક રીતે સમાપન થયું છે, પરંતુ આ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું અદભુત સશક્તીકરણ પણ થયું છે. વર્ષ ૨૦૦૩માં પ્રથમ સમિટ યોજાઈ હતી, આજે તેમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. એક અર્થમાં જોઇએ તો આ એક યુગ પરિવર્તનની શરૂઆત છે. આજે ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે અર્થવ્યવસ્થામાં ભારત ૧૧મા ક્રમે હતું અને આજે ભારત વિશ્વમાં પાંચમા ક્રમે છે. આગામી સમયમાં ભારત ટોપ ૩માં સ્થાન પામશે એ નિશ્ચિત છે. ભારતની અધ્યક્ષતામાં જી -૨૦ યોજાઈ, તેમાં ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’નો મંત્ર હતો. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ભારત વિશ્વમિત્ર તરીકે ઊભરી રહ્યું છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું કે, સ્વામી વિવેકાનંદના સામર્થ્ય અને સંકલ્પને સાકાર કરીને ભારત આજે વિશ્વમાં અનેક નવા આયામો સાથે આત્મવિશ્વાસપૂર્વક ઊભરી રહ્યું છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આઈડિયા અને ઇનોવેશનના પ્લેટફોર્મ તરીકે પુરવાર થયું છે, એટલું જ નહીં ગુજરાતે વૈશ્વિક રોકાણોને પરિણામલક્ષી રીતે ધરતી પર ઉતાર્યાં છે. ગુજરાતની આ સફળ સમિટના આયોજનનું દેશનાં અનેક રાજ્યો અનુકરણ કરી રહ્યાં છે. આ પથ પર ચાલતા વિવિધ રાજ્યો અને તેના પગલે દેશ નવા સીમાચિહ્નો સાકાર કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સંપન્ન થયેલી સમિટને સફળ ગણાવતા શાહે કહ્યું કે, આ સમિટના પગલે વિકસિત ભારતનો ગેટ-વે ગુજરાત બન્યું છે. ૪ રાજ્યોના હેડ, ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ અને ૧૬ કન્ટ્રી પાર્ટનર્સની સહભાગિતા એ સ્વયં એક સફળ ગાથા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭માં ગિફ્ટ સિટીનો મૂકેલો વિચાર આજે વટ વૃક્ષ બન્યો છે, એ જ રીતે ધોલેરા સર (SIR)ની શરૂઆત થઈ ત્યારે ટીકાકારો ટીકા કરતા હતા પરંતુ આજે પરિણામ આપણી સામે છે. માંડલ બેચરાજી આજે ઓટો હબ તરીકે ઉભર્યું છે તો દહેજમાં પેટ્રોકેમિકલ, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્ક, વડોદરામાં બાયો ટેકનોલોજી પાર્કના નિર્માણના પગલે ગુજરાતમાં રોકાણોની સંભાવના વધી છે.

અમિત શાહે કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ સ્ટ્રકચરલ રિફોર્મ અપનાવ્યું છે. આ રિફોર્મથી પર્ફોર્મ વધ્યું છે અને તેના પગલે ઇકોનોમીમાં ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે. વિશ્વના નકશામાં ડાર્ક સ્પોટ ગણાતું રાજ્ય આજે વાઇબ્રન્ટ સ્પોટ તરીકે ઓળખાવા લાગ્યું છે. ભ્રષ્ટાચારમુક્ત શાસન, શાંતિપૂર્ણ વાતાવરણ અને પારદર્શક શાસનના પરિણામે આજે ગુજરાત વિશ્વ આખા માટે ઇન્વેસ્ટર ચોઈસ બન્યું છે. એક સમયે દેશમાં પોલિસી પેરાલિસીસની બુમરાણ હતી, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક નવી સુદ્રઢ પોલિસી બનાવવામાં આવી છે. ગુજરાત આજે પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ફ્યુચરિસ્ટિક ઇકોનોમીમાં દેશ આજે અગ્રેસર છે. સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, બાયોફ્યુઅલ જેવાં નવાં ઊભરતાં ક્ષેત્રોમાં ભારત આજે  પાયોનિયર બન્યું છે. ગુજરાતમાં આ પોલિસીને પરિણામલક્ષી અને જમીન પર ઉતારવાનું શ્રેય ગુજરાતની રાજ્ય સરકારને જાય છે.

આગામી સમયમાં આરોગ્ય અને શિક્ષણ એમ બંને ક્ષેત્રોમાં ભારત અગ્રેસર બને તેવી પોલિસી બની છે તેના પગલે ભારત વિશ્વનું શિક્ષણ હબ બનવા સમર્થ બન્યું છે. આ જ રીતે ઈલેક્ટ્રિક વિહિકલ,  ગ્રીન રોડ સ્ટ્રેટેજી ક્ષેત્રે પણ આપણે અગ્રેસર છીએ. ગ્રીન હાઈડ્રોજન મિશન પણ આપણે આગળ વધારી રહ્યા છીએ. સ્પેસ સેક્ટરમાં એક સમયે ૯ બિલિયન ડોલરનું રોકાણ હતું જે ૨૦૪૦ સુધીમાં ૪૦ બિલિયન ડોલર સુધી પહોંચવાના પ્રયાસો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીના સમાપન અવસરે ગૌરવસહ કહ્યું કે, સફળતાપૂર્વક સંપન્ન થયેલી અમૃતકાળની આ પહેલી સમિટ દેશ અને દુનિયાની બિઝનેસ કમ્યુનિટી, થોટ લીડર્સ, પોલિસી મેકર્સ માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સામુહિક કેન્દ્ર બની છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આ સમિટને બે દાયકામાં ઉત્તરોત્તર મળેલી સફળતાથી તેના સ્પીડ અને સ્કેલ બંને વધતા ગયા છે અને વસુધૈવ કુટુંબકમ્-એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના વિચારને વિશ્વભરના દેશોએ આ સમિટમાં સહભાગિતાથી સાકાર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ને સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાયેલી આ સમિટ નવા યુગના ઊભરતા સેક્ટર્સ જેવા કે  સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇ.વી., એરોસ્પેસ અને ડિફેન્સ ઇક્વીપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ માટે ઉદ્દીપક બની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના વિચારને ગુજરાતે આ સમિટમાં થયેલાં કુલ એમઓયુના 50 ટકા જેટલા એમઓયુ ગ્રીન હાઈડ્રોજન અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં કરીને ચરિતાર્થ કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, આ 10મી સમિટમાં વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટનો નવતર અભિગમ અપનાવીને 32 જિલ્લાઓના MSME ઉદ્યોગોને વોકલ ફોર લોકલના મંત્ર સાથે વિકસવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની બેકબોન MSMEને દરેક વાઈબ્રન્ટ સમિટની સફળતાથી નવું બળ મળ્યું છે.

કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલાને વિકાસનાં નવા અધ્યાયરૂપ ગણાવી ગુજરાત તેની વિકાસની તમામ સીમાઓને ઓળંગીને શ્રેષ્ઠ રાજ્ય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. મંત્રી રૂપાલાએ સમિટમાં જમ્મુ -કાશ્મીરનાં પ્રતિનિધિત્વને મોટી સફળતા ગણાવી હતી અને ઉમેર્યું હતું કે, આ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના સોનેરી ભવિષ્યનો દરવાજો ખોલવાનો શ્રેષ્ઠતમ પુરુષાર્થ છે. ગુજરાતની વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સહભાગી થયેલા ઉદ્યોગકારો અને દેશ-વિદેશના પ્રતિનિધિઓએ ગુજરાતની શાંતિ-સલામતી અને રાજ્ય સરકારના બિઝનેસ ફ્રેન્ડલી અભિગમમાં વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ ગુજરાત રાજ્ય રોકાણકારોનું માનીતું સ્થળ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં દીર્ઘદૃષ્ટિ, પ્રેરક નેતૃત્વ અને માર્ગદર્શનના કારણે ગુજરાતની આ શાખ બંધાઇ છે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રી શ્રી રૂપાલાએ આ તકે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારે ફિશરીઝ ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવના હોવાનું જણાવી આ ક્ષેત્રે ઉદ્યોગકારોને રોકાણ માટે આગળ આવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.