ભારત બાયોટેકને મળી નાકથી અપાતી કોરોના વેક્સિનના પરીક્ષણની મંજૂરી
મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ અને તેલંગાણામાં વેક્સિનનું પરીક્ષણ કરાશે
કોરોનાથી બચવા માટે વિવિધ પ્રકારની વેક્સિન ઉપલબ્ધ થાય તેની સંભાવનાઓ વધી રહી છે. આ ઉપક્રમે જ નાકથી આપી શકાય તેવી વેક્સિન પણ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઈ શકે છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની નિષ્ણાંતોની ટીમે હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેક કંપનીને નાકથી અપાતી વેક્સિનના પહેલા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી આપી છે.
નિષ્ણાંતોની ટીમ સમક્ષ પહેલા તબક્કાના પરીક્ષણના પરિણામ રજૂ કરવામાં આવશે અને તેની સમીક્ષા બાદ જ આગલા તબક્કાના પરીક્ષણની મંજૂરી અપાશે. કંપનીના કહેવા પ્રમાણે દેશના ૪ રાજ્યોમાં આ વેક્સિનનું પરીક્ષણ કરાશે જેમાં મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
૧૮થી લઈને ૬૦ વર્ષની ઉંમરના ૧૭૫ લોકોને પરીક્ષણમાં સામેલ કરવામાં આવશે. તેમાં ૭૦-૭૦ અને ૩૫ લોકોના ૩ જૂથ બનાવવામાં આવશે. પહેલા જૂથમાં સામેલ લોકોને માત્ર એક ડોઝ આપવામાં આવશે જ્યારે બીજા જૂથને પ્લેસબો પણ આપવામાં આવશે. ઉપરાંત ત્રીજા જૂથને માત્ર પ્લેસબો જ આપવામાં આવશે. ત્યાર બાદ ત્રણેય જૂથના પરિણામોની તુલના કરવામાં આવશે. વૈજ્ઞાનિકોના મતે નાકથી આપી શકાય તેવી રસી ઉપલબ્ધ થશે તેનાથી બાળકોને ખૂબ લાભ મળશે.