ભારત દુધ ઉત્પાદનના મામલામાં વિશ્વમાં નંબર-૧ દેશ બની ગયો, વિશ્વના દુધ ઉત્પાદનમાં ૨૪ ટકા હિસ્સો

ભારત દુધ ઉત્પાદનના મામલામાં વિશ્વમાં નંબર-૧ દેશ બની ગયો છે. કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોતમ રૂપાલાએ મંગળવારે લોકસભામાં જણાવ્યું કે, ભારત વિશ્વમાં સૌથી વધુ દુધ ઉત્પાદક દેશ બની ગયો છે.કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ એક લેખીત જવાબમાં કહ્યું કે ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન કોર્પોરેટ સ્ટેટીસ્ટીકલ ડેટાબેઝ (એફએઓએસટીએટી)નાં ઉત્પાદન આંકડા અનુસાર ભારત વર્ષ ૨૦૨૧-૨૨ માં વૈશ્વિક દુધ ઉત્પાદનમાં ૨૪ ટકા યોગદાન આપનાર દુનિયાનો સૌથી વધુ દુધ ઉત્પાદક દેશ છે. તેમણે આગળ કહ્યું કે, ભારતના દુધ ઉત્પાદનમાં છેલ્લા આઠ વર્ષ દરમ્યાન વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૨૧-૨૨ દરમ્યાન ૫૧ ટકાની વૃધ્ધિ થઈ છે. ૨૦૨૧-૨૨ માં વધીને દુધ ઉત્પાદન ૨૨ કરોડ ટન થયુ હતું.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ઉમેર્યું કે, પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં આર્થિક રૂપથી નબળા ખેડુતોનાં ફાયદા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સિવાય ડેરી વિકાસ માટે રાષ્ટ્રીય કાર્યક્રમનો ઉદેશ્ય દુધ, દુધ પ્રોડકટની ગુણવતા વધારવી અને સંગઠીત ખરીદી, પ્રોસેસીંગ, વેલ્યુ એડીશન અને માર્કેટીંગની ભાગીદારી વધારવાનો છે.

નેશનલ પોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ (એનપીડીડી) એ ફેબ્રુઆરી ૨૦૧૪ માં ત્રણ યોજનાઓ ડેરી વિકાસ કાર્યક્રમ, ગુણવતા અને સ્વચ્છ દુધ ઉત્પાદન માટે માળખાકીય સુવિધાને મજબુત કરવી અને સહકારી મંડળીઓને સહાયતા કરવાનુ નકકી કર્યું. જુલાઈ ૨૦૨૧ માં દુધ ઉત્પાદકોની ગુણવતા વધારવા અને સંગઠીત ખરીદી, પ્રોસેસીંગ, વેલ્યુ એડીશન અને માર્કેટીંગની હિસ્સેદારી વધારવાનાં ઉદેશ્યથી એનપીડીડીની સ્થાપના કરવામાં આવી.

આ સાથે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પશુધન, ફીડ અને ઘાસચારા વિકાસ પર ઉપ-મિશન એક જુદી યોજના છે. જેનો ઉદેશ્ય ઘાસચારાની ઉપલબ્ધ વધારવાનો છે. ડેરી વિભાગ દેશભરમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રનાં પ્રચાર અને વિકાસ માટે રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના પ્રયાસોને પુરા કરવા માટે વિવિધ યોજનાઓ લાગુ કરી રહ્યો છે.