ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ પૂર્વ ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ (પૂર્વ) ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ તા. ૦૪.૦૩.૨૦૨૨ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે વન અને પર્યાવરણ વિભાગના માનનીય કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા માનનીય રાજયકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ)ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં માનનીય સંસદસભ્યશ્રી હસમુખભાઈ પટેલ, માનનીય ધારાસભ્યશ્રી પ્રદીપસિંહજી જાડેજા, માનનીય મેયરશ્રી કિરીટકુમાર પરમાર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષશ્રી આર. બી. બારડ અને સભ્ય સચિવશ્રી એ.વી. શાહ સહિત એસોસિએશન અને ઉધોગ જગતના વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.

માન. કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા ઉદ્દબોધનમાં જણાવેલ કે “ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં આગળ વધી રહયું છે ત્યારે પ્રદુષણની સમસ્યા પણ અટકે અને આવનારી પેઢીને ઔધોગિક વિકાસ સાથે આપણે સારૂ પર્યાવરણ આપી શકીએ તે રીતે જવાબદારી પૂર્વક આગળ વધવું જોઈએ.માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દુરંદેશી દાખવીને તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કલાઈમેન્ટ ચેન્જનો એક અલગ વિભાગ દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં જ ઉભો કરવામાં આવેલ, જેથી નવા ઔદ્યોગિક એકમો સ્થપાય અને સંતુલિત વિકાસની સાથે સાથે પર્યાવરણનાં કાયદાઓનુ પણ પાલન થાય”.

રાજયકક્ષાનાં મંત્રીશ્રી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવેલ કે “આ નવી કચેરીની સ્થાપના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં થવાથી ઉદ્યોગોને લગતી સમસ્યાના નિવારણ માટે તથા આંતરમાળખાકીય સુવિધાના વધુ અસરકારક મોનીટરીંગ માટે, આ વિસ્તારના પ્રદૂષણના પ્રશ્નો ઉપર પુરતુ અને ત્વરિત ધ્યાન આપવાનો ઉમદા હેતુ સાર્થક થશે. આ વિસ્તારમાં ઘણી કોમાન ફેસિલીટીઓ આવેલી છે અને અસરકારક કામગીરી થયેલ તેમજ હજુ ઘણું કામ કરવાનું છે.આપણે સર્વે એ સાથે મળી પર્યાવરણની જાળવણી થકી ભાવિ વિશ્વને શુદ્ધ અને નિર્મળ વાતાવરણનો વારસો આપવાનો છે”.

આ પ્રસગે હાજર રહેલા સંસદ સભ્યશ્રી હસમુખભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રી પ્રદિપસિંહજી જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં નવનિર્મિત કચેરીને જીઆઈડીસી વટવામાં સ્થપાવાથી સ્થાનિક ઉદ્યોગકારોને સુવિધાઓ રહેશે અને પ્રજાજનો તરફથી મળતી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરી શકાશે તેમ જણાવેલ અને બોર્ડને નવી કચેરીની શુભકામનાઓ પાઠવેલ.

ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડનાં અધ્યક્ષ આર.બી. બારડ, IAS દ્વારા જણાવવામાં આવેલ કે “ગુજરાત રાજય રાષ્ટ્રની અર્થ વ્યવસ્થામાં મોખરાનુ સ્થાન પ્રાપ્ત કરવાની સાથો સાથ સાતત્ય પૂર્ણ વિકાસમાં ખૂબજ અગત્યની ભૂમિકા ભજવે છે. સમગ્ર દેશમાં પર્યાવરણ ક્ષેત્રે ગુજરાત રાજ્ય સૌથી વધારે આંતર માળખાકીય સુવિધાઓ ધરાવે છે તે ઉપરાંત ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ અંતર્ગત સાતત્ય પૂર્ણ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે. સુરત શહેરમા સફળતા પૂર્વક અમલીકરણ બાદ હવે એમીશન ટ્રેડીંગ સ્કિમ (ETS) નો હવે અમદાવાદ જિલ્લામાં પણ સરકાર દ્વારા સોલીડ ફ્યુલ ઉપયોગ કરતા ઉદ્યોગોમાં અમલીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે”.

ગુજરાત આજે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યુ છે તેમ જણવતાં આભારવિધિ દરમિયાન સભ્ય સચિવશ્રી એ.વી.શાહ એ માન. મંત્રીશ્રીઓ દ્વારા સૂચવેલ બાબતોને ધ્યાને લઈ, સહભાગિતા સાથે કામ કરવાની ખાતરી આપેલ. ત્યારબાદ નવનિર્મિત કચેરીનું સમયસર બાંધકામ પૂર્ણ થવા બદલ પોલીસ આવાસ નિગમ લિ. તથા ફર્નિચર માટે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ. તેમજ અન્ય એજન્સીઓને પણ કામગીરી સમયસર પૂર્ણ કરવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ઉદ્યોગ જગતનાં પ્રતિનિધિઓ નો હદય પુર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.