સુરતના પુણા ગામમાં પાણીના પ્રશ્ને રહિશોએ રામધૂન સાથે વિરોધ કરાયો
સુરતના પુણા વિસ્તારમાં આવેલી નારાયણ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ફરિયાદ ઉઠી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો દ્વારા રામધૂન કરીને શાસકોને અને અધિકારીઓને સદબુદ્ધિ આવે તેના માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણીની સમસ્યાને કારણે હજારો લોકો તકલીફમાં મુકાયા છે. ત્યારે આપના મહિલા કોર્પોરેટર પાયલ સાકરીયાએ જણાવ્યું કે, હું અહીં રહું છું એટલા માટે પરેશાન કરવામાં આવી રહ્યા છે.
ભર ચોમાસામાં સુરતના પુણા વિસ્તારમાં આવેલી નારાયણ નગર સોસાયટીમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. આખી સોસાયટીમાં ૫૦૦ કરતા વધારે મકાનો છે અંદાજે ૨૫૦૦ જેટલા લોકો અહીં રહે છે. વારંવાર પાણી માટે અધિકારીઓને ફરિયાદ કરવામાં આવે છે પરંતુ તેઓ ગોળ ગોળ જવાબ આપે છે.
પાણીને કારણે મહિલાઓ પણ ખૂબ જ પરેશાન થઈ રહી છે. હું નારાયણ નગર સોસાયટીમાં રહું છું. અધિકારીઓને લેખિતમાં અને મૌખિક રીતે અનેક વખત રજૂઆત કરી છે કે અમારી સોસાયટીમાં યોગ્ય પ્રમાણમાં નિયમિત પાણી આવી રહ્યું નથી. પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે કોઈ ટેકનિકલ સમસ્યા નથી છતાં પણ કેમ અમારી સોસાયટી સાથે જ આ પ્રકારનો વર્તન કરવામાં આવી રહ્યું છે. જે રીતે સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી તરફથી મને મત આપીને વિજય બનાવી છે, ત્યારથી શાસકો જાણે કે અમારા વિસ્તારના લોકોને પરેશાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સ્થાનિક લોકોની રજૂઆત મેં વારંવાર શાસકોને કરી છે એ બાબતને તેમને સારી રીતે જાણ છે. માટે ખોટી રીતે રાજકીય લાભ લેવાની ગણતરીથી જો હેરાન કરતા હોય તો તેમના માટે વધુ નુકસાનકારક રહેશે. ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર વિજય થઈને આવે ત્યારે તેણે તો લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હોય પછી તે કોઈ પણ પક્ષ ના હોય.