મુંબઈમાં શિયાળા કરતા વરસાદી માહોલથી ઠંડીએ જોર પક્ડ્યું

હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી હતી કે  આજે રાતના ૮-૩૦ કલાક  સુધી પૂરા થયેલા  ૨૪ કલાક દરમિયાન  કોલાબામાં ૯૦.૨ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૯૧.૨ મિલિમીટર વરસાદ નોંધાયો હતો.જોકે આજે રાતના ૮-૩૦ સુધીમાં  કોલાબામાં ફક્ત ૫.૪ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૪.૩ મિલિમીટર વર્ષા નોંધાઇ હતી.

હવામાન ખાતાએ  એવી માહિતી આપી હતી કે  મુંબઇમાં શિયાળાને કારણે નહીં પણ બુધવારે-૧,ડિસેમ્બરે  વરસેલા કમોસમી ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.જાેકે ૧, ડિસેમ્બરની  સરખામણીએ આજે વરસાદની તીવ્રતા પણ ઘણી ઘટી ગઇ હતી.   કોલાબામાં અને સાંતાક્રૂઝ બંનેમાં લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી સેલ્સિયસ   નોંધાયું હતું, જે બુધવાર-૧, ડિસેમ્બરના  લઘુત્તમ  તાપમાન કરતાં  ૫-૬ ડિગ્રી ઓછું    રહ્યું હતું.૧,ડિસેમ્બરે  કોલાબામાં લઘુત્તમ તાપમાન ૨૪.૫  ડિગ્રી   જ્યારે સાંતાક્રૂઝમાં૨૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે ગુજરાત સમાચારને  એવી માહિતી આપી હતી કે    કોલાબામાં મહત્તમ તાપમાન ૨૫.૮ અને   લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૬.૪ અને લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાથોસાથ ભેજનું પ્રમાણ પણ  ૯૦ ટકા  કરતાં પણ વધુ નોંધાયું હતું.  હાલ અરબી સમુદ્રના ઇશાન હિસ્સાથી દૂર ઉત્તર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્ર ઉપર આકાશમાં ૩.૧ કિલામીટરના અંતરે સાયક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાયું છે.સાથોસાથ અરબી સમુદ્ર ઉપરનો હવાના હળવા દબાણનો પટ્ટો હાલ અગ્નિ હિસ્સાથી દક્ષિણ ગુજરાતના દરિયા સુધી ફેલાયો છે. આવાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતાચાર દિવસ(૩થી૬, ડિસેમ્બર) દરમિયાન કોંકણ(મુંબઇ,થાણે, પાલઘર,  રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ),મધ્ય મહારાષ્ટ્ર(નાશિક, પુણે, સાતારા, સાંગલી) અને મરાઠવાડાનાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવી વર્ષા થવાની શક્યતા છે.