વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં DISH ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો સંબંધિત અપેક્ષિત કાર્યો કરી શકતું નથી
- ફેક્ટરી એક્ટ 1948 હેઠળ ડિરેક્ટોરેટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)ની રચના કરાઈ છે
- રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ફેક્ટરીઓની કામગીરી ફરી શરૂ કર્યા બાદ ઔદ્યોગિક અકસ્માતોમાં વધારો
- 2022 અને 2023 બે વર્ષમાં અમદાવાદ અને સુરત (શહેર અને જિલ્લા) ફેક્ટરીઓમાં આગ અને બ્લાસ્ટની 80 ઘટનાઓમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
- કેટલાક અંદાજો અનુસાર, ભારતમાં 2014થી 2017ની વચ્ચે કાર્યસ્થળે આવા 8,000થી વધુ ઔદ્યોગિક અકસ્માતો થયા છે
- ઔદ્યોગિક પ્લાન્ટને ફરીથી શરૂ કરતા પહેલા સેફ્ટી ઓડિટ કરાવવાની જવાબદારી રાજ્યોની છે
- ભારતમાં ઔદ્યોગિક રાસાયણિક અકસ્માતોને રોકવા અને માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પર આવા અકસ્માતોની અસરને મર્યાદિત કરવી અત્યંત મહત્વપૂર્ણ
-
ઔદ્યોગિક અકસ્માતોમાંથી મુખ્યત્વે જોખમી રસાયણોનો સમાવેશ
ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH), ગુજરાતે વર્ષ 2021 માટે 45920 રજિસ્ટર્ડ ફેક્ટરીઓ અને તેમાં 549 જોખમી અકસ્માતોની જાણ કરી, જેના પરિણામે 235 મૃત્યુ થયા હતા, જેમાંથી 215 અકસ્માતો અને 80 જાનહાનિ કેમિકલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ/ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ સહિત જોખમી ઉદ્યોગોમાંથી નોંધાયા હતા. વર્ષ 2020માં ગુજરાતમાં 202 જીવલેણ અકસ્માતો અને 212 મૃત્યુ થયા હતા, જેમાંથી 54 અકસ્માતો અને 82 જાનહાનિ કેમિકલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો/ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાંથી નોંધાયા હતા, જેમાં મુખ્યત્વે જોખમી રસાયણોનો સમાવેશ થતો હતો.
ભારતમાં એક મહિના દરમિયાન સરેરાશ દર બીજા દિવસે એક અકસ્માત અને મૃત્યુ
શુક્રવાર, 24 મે, 2024ના રોજ, મુંબઈ નજીક ડોમ્બિવલીમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકો માર્યા ગયા હતા અને 64 ઘાયલ થયા હતા. જ્યારે માર્ચ 2020ના અંતમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા સંપૂર્ણ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને પગલે ફેક્ટરીઓએ કામગીરી ફરી શરૂ કરવા માટે તેમના શટર ખોલ્યા, ત્યારે ઔદ્યોગિક અકસ્માતોમાં વધારો થયો હતો. એકલા જાન્યુઆરી અને ઓગસ્ટ 2021 મહિનાની વચ્ચે, સમગ્ર દેશમાં ઓછામાં ઓછા 25 ગંભીર ઔદ્યોગિક અકસ્માતો થયા, જેમાં 120થી વધુ લોકોના મોત થયા. વિશ્વભરના યુનિયનોના જીનીવા સ્થિત મહાસંઘ ઇન્ડસ્ટ્રીયલઑલ ગ્લોબલ યુનિયન દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં આ આંકડા વધુ દર્શાવવામાં આવ્યા છે. તેના રિપોર્ટ અનુસાર ભારતમાં એક મહિના દરમિયાન સરેરાશ દર બીજા દિવસે એક અકસ્માત અને મૃત્યુ થયા.
ઔદ્યોગિક અકસ્માતોની વણઝાર
7/05/2020ના રોજ વિશાખાપટ્ટનમમાં એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક થવાથી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને સેંકડો લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયન એલજી કોર્પની માલિકીના પ્લાસ્ટિક પ્લાન્ટમાંથી આસપાસના રહેણાંક વિસ્તારમાં સ્ટાયરીન લીક થવા લાગ્યું. ગેસના લક્ષણો દેખાતા સેંકડો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એલજી કોર્પોરેશન સામે બેદરકારી અને ઇરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. સ્ટાયરીન ગેસના તીવ્ર સંપર્કમાં આવવાથી શ્વસન અને ન્યુરોલોજીકલ સંબધિત લક્ષણો પેદા થાય છે અને વધુ પડતી માત્રામાં તે જીવલેણ બની શકે છે. અહીં પીડિતોને એમ્બ્યુલન્સ, કાર અને ત્યાં સુધી કે ટુ-વ્હીલર પર બેસાડીને વિવિધ વોર્ડમાં લઈ જવામાં આવી રહ્યા હતા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રચવામાં આવેલી પાંચ સભ્યોની સંયુક્ત દેખરેખ સમિતિએ નક્કી કર્યું હતું કે રસાયણોના દબાણ અને તાપમાનને મોનિટરિંગ અને જાળવવા માટેની તંત્રની ગેરહાજરી તેમજ સ્ટોરેજ ટેન્ક પર તૈનાત કર્મચારીઓની બેદરકારી આ દુર્ઘટના માટે જવાબદાર હતી. આગામી 24 કલાકમાં બે અન્ય મોટા અકસ્માતો થયા; છત્તીસગઢમાં પેપર ફેક્ટરીમાં ગેસ લીક થવાથી સાત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને તામિલનાડુમાં કોલસાની ખાણકામની ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી સાત અન્ય ઘાયલ થયા હતા.
ભોપાલ ગેસ ટ્રેજેડીની કડવી યાદો
વિશાખાપટ્ટનમમાં થયેલા અકસ્માતે ડિસેમ્બર 1984માં મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં પેસ્ટિસાઇડ પ્લાન્ટ (યુનિયન કાર્બાઈડ)માંથી ગેસ લીક થવાની કડવી યાદો તાજી કરી, જે ઈતિહાસની સૌથી ખરાબ ઔદ્યોગિક આપત્તિઓમાંની એક હતી. લગભગ 3,500 લોકો, જેમાંથી મોટા ભાગના યુનિયન કાર્બાઇડ દ્વારા સંચાલિત પ્લાન્ટની આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, તે પછીના થોડા દિવસોમાં માર્યા ગયા અને પછીના વર્ષોમાં હજારો વધુ લોકોએ જીવ ગુમાવ્યો અને આજ સુધી તેનાં પરિણામો ભોગવી રહ્યાં છે!
નિષ્ણાતો અને સંસ્થાઓ સત્તાધિકારીઓની અનિચ્છાની નિષ્ફળતા કરે છે પ્રયાસો
ભારતમાં ઔદ્યોગિક અકસ્માતો નવી વાત નથી. કેટલાક અંદાજો અનુસાર, 2014થી 2017ની વચ્ચે કાર્યસ્થળે આવા 8,000થી વધુ અકસ્માતો થયા હતા, જેમાં 6,300થી વધુ કામદારોએ જીવ ગુમાવ્યો હતો. તે આશ્ચર્યજનક બાબત નથી કે તાજેતરના દાયકાઓમાં ઔદ્યોગિકીકરણના અનિયંત્રિત દરનો અનુભવ કરનારા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર આમાં મોટો હિસ્સો ધરાવે છે. નિષ્ણાતો અને એસોસિએશનો વર્ષોથી કંપનીઓ દ્વારા સલામતીનાં પગલાં અમલમાં મૂકવા, સામાન્ય રીતે ઓછા વેતન પર કાર્યરત કર્મચારીઓ અને યોગ્ય તાલીમનો અભાવ અને આવી ઘટનાઓને પગલે નોકરીદાતાઓ પર જવાબદારી લાદવામાં સત્તાધિકારીઓની અનિચ્છાની નિષ્ફળતા તરફ ધ્યાન દોરવાના પ્રયાસ કર્યો છે.
ગુજરાતમાં ઘટેલા જીવલેણ ઔદ્યોગિક અકસ્માતો
ગુજરાતમાં છેલ્લા બેએક વર્ષમાં બનેલી ઔદ્યોગિક ગોઝારી ઘટનાઓ વિશે વાત કરીએ તો વર્ષ 2022માં ભરૂચ સ્થિત ભારત રસાયણ લિમિટેડમાં રિએક્ટર બ્લાસ્ટની ઘટના ઘટી હતી. આ જીવલેણ દુર્ઘટનામાં 8 મોત અને 29 ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2023ના નવેમ્બર મહિનામાં સચિન જીઆઈડીસીમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટમાં 7 કામદારોના કરૂણ મોત થયા હતા, તો 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા હતા. તો ગયા વર્ષે ડિસેમ્બરમાં વાપી જીઆઈડીસીમાં આવેલી સરના કેમિકલ્સ નામની કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમ પૈકી એક લિકેજ થતા 2 મજૂરોના મોત અને 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના બનવા પામી હતી. ગુજરાત સરકારે પણ વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ અનુસાર 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને સુરતની ફેક્ટરીઓમાં આગ અને બ્લાસ્ટની કુલ 80 ઘટનાઓ બની હતી, જેમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તો 61 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હાલમાં જ ઘટેલા ઔદ્યોગિક અકસ્માતોની વાત કરીએ તો નવેમ્બરમાં નવસારીમાં એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં કેમિકલ બેરેલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. તો કંડલાની એગ્રોટેક કંપનીમાં વેસ્ટ લિક્વિડ ટેન્ક સાફ કરવા દરમિયાન 5 શ્રંમિકોના મોત નીપજ્યા હતા.
મોટાભાગના ઔદ્યોગિક અકસ્માતો કેમિકલ સંબંધિત ઉદ્યોગોમાં..
ભારતના બે સર્વાધિક ઔદ્યોગિક રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રના અકસ્માતના ડેટા પર નજીકથી નજર કરીએ તો, વિષમ સુરક્ષા રેકોર્ડ દર્શાવે છે. આંકડા એ પણ ઉજાગર થાય છે કે મોટાભાગના અકસ્માતો કેમિકલ સંબંધિત ઉદ્યોગોમાં થઈ રહ્યા છે, જે જોખમી રસાયણો સાથે સંબંધિત છે.
CAEPPR નિયમો, 1996
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાર્યમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જે (MoEF&CC) જોખમી રસાયણોના મેન્યૂફેક્ચર સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઑફ હઝાર્ડસ કેમિકલ્સ રૂલ્સ, 1989ને સૂચિત કર્યો, જેનો ઉદ્દેશ હઝાર્ડસ કેમિકલ્સ સાથે સંબંધિત ઉદ્યોગોમાં ઓપરેશનલ સેફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટે નિયમનકારી માળખું સ્થાપિત કરવાનો છે, જેથી રાસાયણિક અકસ્માતો ટાળી શકાય છે. ત્યારબાદ, મંત્રાલયે ઓગસ્ટ, 1996ના જી.એસ.આર. 347 (ઇ) અંતર્ગત MSIHC નિયમો, 1996ના પૂરક તરીકે કેમિકલ એક્સિડેંટ્સ (ઇમરજન્સી, પ્લાનિંગ, પ્રીપેરડનેસ એન્ડ રિસ્પોન્સ) નિયમ, 1996 [CAEPPR નિયમો, 1996] સૂચિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ, મંત્રાલયે, સમયાંતરે સૂચનાઓ જારી કરીને, રાજ્ય સરકાર/કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને કેટલીક મુખ્ય જવાબદારીઓ સોંપી છે, જેનો ઉદ્દેશ ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ઉદ્ભવતા મોટા રાસાયણિક અકસ્માતો અને માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર આવા અકસ્માતોની અસરોને મર્યાદિત કરવાનો છે.
MSIHC નિયમો
MSIHC નિયમો, 1989ની જોગવાઈઓની પૂરક રીતે, CAEPPR નિયમો, 1996 દેશમાં ક્રાઈસીસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સંબંધિત સંગઠનાત્મક સમર્થનની સ્થાપના માટે સંવિધાનિક પીઠબળ પૂરૂં પાડે છે. રાસાયણિક અકસ્માત નિવારણ (EPPR) નિયમ, 1996 દેશમાં કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તરે ચાર-સ્તરની કટોકટી વ્યવસ્થાપન પ્રણાલીની પરિકલ્પના કરવામાં આવી છે. નિયમ-3ના પાલનમાં, સેક્રેટરીની અધ્યક્ષતામાં (EF&CC) એક સેન્ટ્રલ ક્રાઈસિસ ગ્રુપની રચના કરવામાં આવી છે. રાસાયણિક કટોકટી દરમિયાન ઝડપી માહિતીની આપ-લેની સુવિધા માટે નિયમ 4ના પાલનમાં સેન્ટ્રલ ક્રાઈસીસ ગ્રુપ એલર્ટ સિસ્ટમ એટલે કે રેડ બુક પણ રજૂ કરવામાં આવી છે. રેડ બુકમાં રાસાયણિક (ઔદ્યોગિક) આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત કેન્દ્રીય અને રાજ્ય નોડલ ઓથોરિટીઝ, રાષ્ટ્રીય એજન્સીઓ/સંસ્થાઓના નામ, સરનામા અને સંપર્ક વિગતો શામેલ છે. રેડ બુક મિનિસ્ટ્રી ઓફ એન્વાર્યમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ (MoEF&CC)ની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને વાર્ષિક ધોરણે અપડેટ કરવામાં આવે છે. છેલ્લે માર્ચ-2022માં અપડેટ કરવામાં આવ્યું હતું. રાસાયણિક (ઔદ્યોગિક) અકસ્માતની કટોકટી દરમિયાન રાજ્ય સત્તાવાળાઓ સાથે સંકલન કરવા માટે મિનિસ્ટ્રી ઓફ એન્વાર્યમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જે (MoEF&CC)માં વર્ચ્યુઅલ ક્રાઇસિસ કંટ્રોલ રૂમની પણ સ્થાપના કરવામાં આવી છે.
MSIHC નિયમો, 1989 તેનો કડક અમલ = અકસ્માતોની સંખ્યા, મૃત્યુ અને ઇજાઓ નોંધપાત્ર રીતે ઘટાડો આવશે
MSIHC નિયમો, 1989 હેઠળ સક્ષમ અધિકારીની પૂર્વ લેખિત મંજૂરી વિના જોખમી રસાયણોને લગતી કોઈપણ ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ કરી શકાતી નથી, જેના માટે સામેલ દરેક હઝાર્ડસ કેમિકલ્સ માટે સલામતી ડેટા શીટ તૈયાર કરવાની રહેશે, સાઇટ ઇમરજન્સી અને ઑફ સાઇટ પર તૈયાર કરવાની રેહશે અને સલામતી કવાયત નિયમિત અંતરાલે હાથ ધરવામાં આવશે. MSIHC નિયમો, 1989 ખૂબ જ સારી રીતે વિચારેલા છે અને જો તેનો કડક અમલ કરવામાં આવે તો અકસ્માતોની સંખ્યામાં તેમજ મૃત્યુ અને ઇજાઓ નોંધપાત્ર રીતે ઘટાડો આવશે.
ફેક્ટરી એક્ટ 1948 હેઠળ DISHની રચના
દેશમાં રાસાયણિક (ઔદ્યોગિક) અકસ્માતોને રોકવા માટે, સંબંધિત કેન્દ્રીય/રાજ્ય સત્તાવાળાઓને MSIHC નિયમો, 1989ના અનુસૂચિ 5 મુજબ જવાબદારીઓ સોંપવામાં આવી છે. હઝાર્ડસ કેમિકલ્સ સાથે કામ કરતા ઉદ્યોગોમાં સલામતીની જોગવાઈઓ પર દેખરેખ રાખવા અને તેનો અમલ કરવા માટે સ્ટેટ ચીફ ઇન્સપેક્ટર ઑફ ફેક્ટરીઝ (સીઆઈએફ) કે ફેક્ટરી એક્ટ 1948 હેઠળ રચિત ડિરેક્ટોરેટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) છે.
વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં, DISH અપેક્ષિત કાર્યો કરી શકતું નથી
ફેક્ટરી એક્ટ, 1948 હેઠળ, રાજ્ય સરકારોએ કાયદાની જરૂરિયાતોને લાગુ કરવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવી જરૂરી છે, જે કથિત રીતે લગભગ 3,50,000 નોંધાયેલી ફેક્ટરીઓને લાગુ પડે છે, જેમાં જોખમી પ્રક્રિયાઓ હાથ ધરતા 6,000 એકમો સામેલ છે. ગુજરાત રાજ્ય માટે, જેમાં 2021માં 45920 રજિસ્ટર્ડ ફેક્ટરીઓની જાણ કરી હતી, DISHનો કુલ સ્ટાફ 223 છે, જેની સામે હાલમાં ફક્ત 105 માનવ બળ કાર્યરત છે. તેની વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં, DISH તે કાર્યો કરી શકતું નથી, જે તેની પાસેથી અપેક્ષિત છે.
રાજ્યમાં ઔદ્યોગિક સુરક્ષા અમલીકરણ ખૂબ જ નબળું છે અને નિયમનકારી સંસ્થાઓ ખૂબ જ શિથિલ
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 8 મે, 2020ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઔદ્યોગિક પ્લાન્ટને ફરીથી શરૂ કરતા પહેલા સેફ્ટી ઓડિટ કરાવવાની જવાબદારી રાજ્યોની છે, તેમ છતાં આ અંગે પ્રશ્નો ઉભા થયા છે કે શું આ ખરેખર યોગ્ય રીતે કરવામાં આવ્યું હતું અને શું તેમની ભલામણો પર કાર્યવાહી કરવામાં આવી હતી? એલજી પોલિમર્સ ગેસ લીક કેસમાં, કંપની બે દાયકાથી વધુ સમયથી કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય પાસેથી જરૂરી પર્યાવરણીય મંજૂરી મેળવ્યા વિના કામ કરી રહી હતી. આ હોવા છતાં, આંધ્ર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 2019માં યુનિટના વિસ્તરણ માટે મંજૂરી આપી હતી. ભારતના ભૂતપૂર્વ નાણાં સચિવ એ.એસ.સરમા, જે વિશાખાપટ્ટનમ પ્લાન્ટના રહેણાંક વિસ્તારથી થોડા માઈલ દૂર રહે છે, તેમણે જણાવ્યું હતું કે “આ રાજ્યમાં ઔદ્યોગિક સુરક્ષા અમલીકરણ ખૂબ જ નબળું છે અને નિયમનકારી સંસ્થાઓ ખૂબ જ શિથિલ છે.”
નિયમનકારી સંસ્થાઓને મજબૂત કરવી એ વર્તમાન સમયની માંગ
5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં રૂપાંતરિત કરવાના ભારતના પ્રયાસો પ્રશંસનીય છે, પરંતુ તે ધ્યાનમાં લેવું પણ મહત્વપૂર્ણ છે કે તે માળખાકીય વિકાસમાં નિર્બાધ રોકાણ માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે, કારણ કે તેનો સંબંધ ઔદ્યોગિક માળખાના નબળા આયોજન અને જાળવણીના કારણે થનારા માનવ જીવનની હાનિ અને ઇકોસિસ્ટમના નુક્શાન સાથે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સ્ટેટ ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH), પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO) જેવી નિયમનકારી સંસ્થાઓને મજબૂત કરવી એ વર્તમાન સમયની માંગ છે.