મહત્વની બાબતઃ સામાન્યતઃ ઔદ્યોગિક એકમમાં લાગેલી ભીષણ આગના કિસ્સામાં જીપીસીબી દ્વારા એકમને દંડ સાથે કલોસર નોટિસ આપવામાં આવે છે
મહાલક્ષ્મી ફેબ્રિકમાં આગથી વાતારણમાં ફેલાયેલા પ્રદૂષણને જીપીસીબી દ્વારા માપવામાં ન આવ્યું હોવાની લોકોમાં ચર્ચા, જો માપવામાં આવ્યું હશે તો આંકડા બહાર આવે ત્યારે જાણી શકાશે વાસ્તવિક પ્રદૂષણની વિગતો
- કંપની રહેણાંક વિસ્તાર હોવાથી પ્રદૂષણની માત્રા ખૂબ જ મહત્વની બની જાય છે
- મહાલક્ષ્મી ફેબ્રિક્સમાં લાગેલી આગ પર કાબૂ બાદ હાલ કૂલિંગ પ્રોસેસ ચાલુ
- ફાયર બ્રિગેડના 22 જેટલા નાના-મોટા વ્હિકલ ઘટના સ્થળે
અમદાવાદઃ નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ મિલ્સ લિ.માં ગઈ કાલે સવારે 9.15 કલાકે લાગેલી આગની ઘટનામાં હાલ પણ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કંપનીમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. પ્રાપ્ત માહિતી મુજબ ફાયર બ્રિગેડના 22 જેટલા નાના-મોટા વ્હિકલ ઘટના સ્થળે છે. આ આંકડા પરથી જાણી શકાય છે કે આગે કેવુ સ્વરૂપ ધારણ કર્યું હશે અને તેને પગલે પ્રદૂષણ પણ બહોળા પ્રમાણમાં ફેલાયું હશે. જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે, પરંતુ એક વાર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
સામાન્યતઃ ઔદ્યોગિક એકમમાં લાગેલી ભીષણ આગના કિસ્સામાં જીપીસીબી દ્વારા એકમને દંડ સાથે કલોસર નોટિસ આપવામાં આવે છે કે કેમ? તે મહત્વપૂર્ણ બાબત છે. ત્યારે હવે મહાલક્ષ્મી ફેબ્રિક્સમાં લાગેલી આગના કારણે તેની આજુ બાજુના વાતાવરણમાં કેટલું પ્રદુષણ ફેલાયું તેની જીપીસીબી દ્રારા તપાસ કરી એકમ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહયુ. અહીં એ નોંધવું જરૂરી છે કે જ્યાં આગ લાગી તે એકમની આસપાસ સમગ્ર વિસ્તાર રહેણાંક હોવાથી પ્રદૂષણની માનવ જીવન પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. આ આગ દ્વારા વાતાવરણમાં ફેલાયેલા પ્રદૂષણને જીપીસીપી દ્વારા સ્થળ પર માપવામાં ન આવ્યું હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે, પરંતુ જો જીપીસીબી દ્વારા આ પ્રદૂષણને માપવામાં આવ્યું હશે તો તેના આધારે પ્રદૂષણની ચોક્કસ માત્રા સામે આવી શકે છે અને તેને લીધે થયેલા પ્રદૂષણના આંકડાઓને જાણી શકાશે.