અમદાવાદ એરપોર્ટ પર વરસાદી પાણી ભરાશે તો સીધું સાબરમતી નદીમાં વહી જશે

અમદાવાદ એરપોર્ટના સાડા ત્રણ કિલોમીટરના રન વેને ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજથી નવો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દરરોજ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી રન વે બનાવવાની કામગીરી કરવામાં આવે છે. એરપોર્ટના આ નવા બનનાર રન વેની કામગીરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૨ લાખ મેટ્રિક ટન ડામર વપરાઇ ચુક્યો છે. ૩ લાખ ક્યૂબીક મીટર માટીકામ થયું છે. દરરોજ જેસીબી, ડમ્પર સહિતના ૨૦૦ વહિકલ સાથે રન વે બનાવવાની કામગીરી કરી રહ્યા છે.

રન વે બનાવવાની ૯૦ ટકા પૂર્ણ થઈ ગઇ છે. એરપોર્ટ ઓથોરીટીના સૂત્રો અને રનવે બનાવવાની કામગીરી કરતા સૂત્રોના જણાવ્યા મુજબ ૧૪ એપ્રિલ સુધીમાં રન વેની કામગીરી પૂર્ણ થઈ જશે અને એરપોર્ટ ઓર્થોરિટીને સોંપી દેવામાં આવશે. એરપોર્ટના રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ નું ૫ સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે.

ડીબીએમ ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે આ રન વે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે. આ રન વે પર ૩૫૦૫ મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો છે. રન વે ઉપરાંત હવે તેની આસપાસના કામો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે રન વેની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે. સતત કામગીરી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે ૧૪ એપ્રિલ સુધીમાં આ તેને સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટના રન વેને અદ્યતન ટેકનોલોજી સાથે નવા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર સાડા ત્રણ કિલોમીટરના અંતરનો નવો રન વે તૈયાર કરાયો છે. અદ્યતન ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવેલા આ રન વેની ખાસિયતએ છે કે રન વેથી સાબરમતી નદી સુધી ૯ કિલોમીટરની ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે. જો ભારે વરસાદ થાય અને એરપોર્ટ પર પાણી ભરાય તો એ પાણી રન વેની બંને તરફ વહી અને સીધું ગટરમાંથી સાબરમતી નદીમાં જતું રહેશે.