તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગર વચ્ચે ટકરાશે, ૧૫૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

૨૪ કલાકમાં તૌકતે વાવાઝોડું વધારે મજબૂત થશે, આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકારાશે
તાઉ-તે વાવાઝોડું વારંવાર તેની દિશા બદલી રહ્યું છે. ત્યારે વાવાઝોડાએ પોતાનો માર્ગ ફરીએકવાર બદલતા તંત્ર વધુ એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાએ રસ્તો બદલતા હવે પોરબંદર-મહુવા તરફ સંકટ વધ્યું છે. પોરબંદર-મહુવાના દરિયા કિનારા માટે વધુ ચિંતા ઉભી થઈ છે. તેના કારણે અહીંના દરિયાકાંઠાના ગામો પર વધુ ખતરો તોળાઈ રહ્યો છે. આથી લોકોના સ્થળાંતરને લઈને આયોજન શરૂ કરી દેવાયું છે.

વાવાઝોડું દીવ તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે અને મહુવાથી પોરબંદરની વચ્ચે ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અને વાવાઝોડું ગુજરાત તરફ આવતા વધારે આક્રામક બનતું રહેશે.
હવામાન વિભાગે કરેલી વધુ એક આગહીમાં વાવાઝોડું વધારે આક્રામક બનવાની સાથે ૧૭મીની સાંજે ગુજરાતથી પોરબંદરની વચ્ચે લેન્ડફોલ થશે.

વાવાઝોડાએ ફરી પોતાનો માર્ગ બદલ્યો છે. તાઉ-તે વાવાઝોડું ૧૭મી મેના રોજ સાંજે અથવા ૧૮મી મેના રોજ વહેલી સવારે પોરબંદર-મહુવાથી પસાર થશે. જાેકે, ગુજરાત પર વાવાઝોડાનું સંકટ યથાવત છે. માત્ર વાવાઝોડાની દિશા દક્ષિણ પૂર્વ તરફ વળી છે. વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ વધુ મજબૂત થઇ રહ્યું છે.
હાલ તાઉ-તે વાવાઝોડું વેરાવળથી ૬૬૦ કિલોમીટર દૂર છે. ગુજરાતમાં વાવાઝોડાની સિવિયર અસર થશે. ૧૭મી તારીખે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાની વધુ નજીક આવશે. ૧૮મી મેના રોજ સવારે પોરબંદરથી મહુવા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. જેથી તેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, કચ્છ, જુનાગઢ, અમરેલી, વેરાવળ, દીવ પર થશે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું હાલ ૧૫૦ થી ૧૬૦ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે.

એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, કચ્છ, મોરબી, સુરત, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, નવસારી, ભરુચ અને જૂનાગઢ જિલ્લામાં તૈનાત કરાઈ છે.
સૌરાષ્ટ્ર માટે ખાસ ૧૭ અને ૧૮ મે પડકારજનક

સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને તારીખ ૧૭ અને ૧૮ મે એમ બે દિવસ આ વિનાશક વાવાઝોડાના કારણે પડકારરૂપ રહેશે. જમીન સાથે ટકરાયા પછી વાવાઝોડુ નબળું પડે તો પણ તેની અસર દૂર દૂર સુધી વ્યાપક રીતે થતી હોય છે અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની પૂરી શક્યતા હોય છે. આગામી ૧૮ મેના રોજ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.