નવસારીના હિદાયતનગરમાં બે મહિનાથી પાણી નથી આવતું

બે માસથી આ વિસ્તારમાં પાણીનો બોર બગડી ગયો હોવાથી પાલિકા દ્વારા અપર્યાપ્ત માત્રામાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં લોકો પાસે પાણીનો ભરાવો કરવા માટે ટાંકી નથી, તેથી તેઓ ડોલ કે અન્ય સાધનો દ્વારા પાણી ભરી રાખે છે. જેથી તેમને પ્રતિદિન પાણીની જરૂરીયાત સામે ઓછું પાણી મળે છે તેવી ફરિયાદો ઉઠવા પામી છે.

ત્યારે નગરપાલિકાના સત્તાધીશો નગર સેવકો પણ સાંભળતા ન હોય તેનું ઉત્તમ ઉદાહરણ વોર્ડ નં. ૪માં સામે આવ્યું છે.

સ્થાનિકોનું માનવું છે કે જો આ વિસ્તાર પોશ હોત તો કદાચ અહીં પાણીની સમસ્યા ન આવત પરંતુ શ્રમિક વિસ્તાર હોવાથી પાલિકાને સમસ્યાના ઉકેલ માટે કોઈ રસ રહ્યો ન હોય તેવી સ્થાનિકોની ફરિયાદ ઉઠવા પામી છે.નવસારી વિજલપોર નગરપાલિકા અંતર્ગત આવતા વોર્ડ નં. ૪માં સમાવિષ્ટ હિદાયતનગર અને ગધેવાન બંગલો વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાણીની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેને લઇને અનેક વખત આ વિસ્તારના સ્થાનિકોએ નગરસેવકને સાથે રાખી પાલિકામાં રજૂઆત કરવા છતાં આ સમસ્યાને ઉકેલ લાવવા માટે પાલિકાના પેટનું પાણી હલતું નથી.