ભારે વરસાદની આગાહીઃ અમરેલી-જાફરાબાદ બંદર પર લગાવ્યુ ૩ નંબર સિગ્નલ

રાજ્યમાં આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- પ્રેશર સર્જાયું છે. જેના કારણે ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે.  બંદર પર ત્રણ નંબરના સિગ્નલ સાથે પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગના મતે આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ૩૦થી ૪૦ કિમીના ઝડપે પવન સાથે વરસાદ વરસશે.  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના ત્રણ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં કરંટ અને પવનની સ્પીડ વધે તેવી શક્યતાને ધ્યાને રાખી મેરિટાઈમ બોર્ડે માછીમારોની સલામતી માટે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી સાવચેત કર્યા છે.

લાંબા સમયના વિરામ બાદ આખરે અષાઢ મહિનના પ્રથમ દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા આજે મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.