કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી છોડાતા લોકોમાં ખુશી
પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ-આદિપુર સંકુલો માટે પીવાનું પાણી પૂરું પાડતા અંજારના ટપ્પર ડેમમાં પાણીનું સ્તર ૩૫ ટકાએ પહોંચી ગયું હતું. જેને લઈ પીવાના પાણીની તંગી ઉભી થવાની સંભાવના વર્તાઈ રહી હતી. આ ડેમની કુલ ક્ષમતા ૧૭૨૫ ક્યુસેક જેટલી છે, જેને સંપૂર્ણ ભરાવા માટે ૨૫ દિવસ જેટલો સમય લાગી શકે છે.
અહીં કેનાલ મારફતે આવતા નર્મદા પાણીને પહોંચતા હજુ ૨ દિવસનો સમય લાગી જશે. અલબત્ત પૂર્વ કચ્છના નર્મદા કેનાલન ઉડગમ સ્થાન સલીમગઢ પાસે નર્મદાનું પાણી જોશભેર વહી નીકળતાં વાગડની ભચાઉ કેનાલમાં હવે ટૂંક સમયમાં પાણી વહેતા નજરે ચડશે.
કચ્છની જીવાદોરી સમાન નર્મદાની મુખ્ય કેનાલ વાગડ વિસ્તારમાં ખરી ઉતરી છે. જેમાં સમારકામ અર્થે બંધ કરાયેલું પાણી નર્મદા વિભાગ દ્વારા નક્કી થયા મુજબ બે દિવસ પૂર્વે ફરી શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા ઉત્તર ગુજરાતની કેનાલ મારફતે પાણી અહીંના ટપ્પર ડેમ સુધી પહોંચતું કરાયું છે. જે ગાંધીધામ આદિપુરના સંકુલોને પૂરતા પીવાના પાણી મળી રહે તે માટે જરૂરી બનતાં પાણી શરૂ કરાયું છે. હાલ નર્મદાનું પાણી વાગડના રાપર તાલુકાની મઢુત્રા સુધી પહોંચ્યું છે, જે મુખ્ય કેનાલ મારફતે ગતિભેર આગળ વધી રહ્યું છે.