Gujarat Monsoon: ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ થશે

ગુજરાતઃ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી સપ્તાહે સારો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જામી શકે છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આગાહી કરતા આપી છે.

હવામાન વિભાગ મુજબ આગામી સપ્તાહે ૮થી ૧૦ તારીખ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. આમ ખેડૂતો માટે એક સારા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. મેઘરાજાની સવારી આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી વળશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે. ભરૂચ, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને નર્મદામાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ દીવમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ અને પંચમહાલમાં પણ મેઘરાજા મહેરબાન થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.