બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે, પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં દ્વિતીય ક્રમે

ગુજરાત સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય સ્થાને

સમગ્ર દેશની રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા ૧,૨૫,૧૫૯.૮૩ મે.વોમાં ગુજરાતનો ૧૫.૪ ટકા હિસ્સો: રાજયમાં ૧૯,૨૯૦.૯૪ મે.વો સ્થાપિત ક્ષમતા

ગાંધીનગર: પર્યાવરણ જતનના ઉદ્દેશ્ય સાથે અને ‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’ તથા ‘ગો ગ્રીન’ના મંત્ર થકી બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનને પરિણામે આજે ગુજરાતને સફળતા મળી છે. સુદ્રઢ આયોજનના પરિણામે ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે દેશભરમાં દ્વિતીય ક્રમે છે. એટલું જ નહીં, સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯,૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતિય સ્થાને છે, જે ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે.

આગામી તા.૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે નાગરિકોમા પર્યાવરણના જતન માટે જનજાગૃતિ કેળવાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જેડા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે દ્રિતીય ક્રમે છે. ગુજરાતનો ૧,૬૦૦ કિ. મિ. લાંબો દરિયાકિનારો પવનશક્તિનો ઉપયોગ કરી વીજ ઉત્પાદન કરવા માટે આશિર્વાદરૂપ સમાન છે. ગુજરાતના મોટા મેદાનો અને સાધારણ જટિલ ભૂપ્રદેશ પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા સાનુકુળ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં અત્યાર સુધીમાં પવન ઊર્જાના મોટા પ્રોજેક્ટો સ્થાપવા માટે ૫૬ સંભવિત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યના આંતરીક વિસ્તારોમાં પણ, પવન ગતિની સંભાવનાનો અભ્યાસ કરતાં પવન ઉર્જા પ્રોજેક્ટના સ્થાપન માટે ખૂબ સારા પરિણામો મળ્યા છે.

MNRE, New Delhi દ્વારા જાહેર કરેલ માપણી મુજબ ગુજરાતમાં પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન માટે આશરે કુલ ૧૪૨.૫૬ ગી.વો. (૧,૪૨,૫૬૦ મેવો.) ના પ્રોજેક્ટોની શક્યતાઓ છે. જે દેશમાં સૌથી વધુ છે. ગુજરાત દ્વારા વર્ષ ૧,૯૯૩-૯૪ માં દેશની સૌ પ્રથમ પવન ઊર્જા નીતિ જાહેર કરવામાં આવી હતી જેની સફળતાના પરિણામે રાજય સરકારે પાંચ પવન ઊર્જા નીતિઓ જાહેર કરી છે અને હાલ પાંચમી પવન ઊર્જા નીતિ એટલે કે ગુજરાત વિન્ડ પાવર પોલિસી – ૨૦૧૬ અમલમાં છે. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં ૩૦ એપ્રિલ ૨૦૨૩ ની સ્થિતિએ સ્થાપિત પવન ઊર્જા પ્રોજેક્ટ્સની ક્ષમતા ૯,૯૧૦.૦૭ મેગાવોટ છે જે સમગ્ર દેશમાં બીજા સ્થાને છે.

રાજ્યના દરિયા કિનારાથી સમુદ્રની અંદર (Off Shore Wind Farm) સ્થાપવાની ક્ષમતા આશરે ૩૨ થી ૩૫ ગી.વો. એટલે કે ૩૨,૦૦૦ થી ૩૫,૦૦૦ મે.વો.છે.

સમગ્ર ભારતમાં ૩૧ માર્ચ-૨૦૨૩ની સ્થિતિએ ૪૨,૬૩૩.૧૩ મે. વો. ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જે પૈકી ૯,૭૯૯.૧૬ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતનું યોગદાન ૨૩ ટકા સાથે બીજા સ્થાને છે.

ગુજરાત ભૌગોલિક રીતે કર્કવ્રુત ઉપર હોવાથી સૌર ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે રાજયમાં વિપુલ તકો રહેલી છે. જેને ધ્યાને લઈને ગુજરાતે વર્ષ ૨૦૦૯-૧૦ માં દેશની સૌપ્રથમ સૌર ઊર્જા નીતિ જાહેર કરી હતી. અને હાલ રાજયમાં ત્રીજી સૌર ઊર્જા નીતિ એટલે કે ગુજરાત સોલાર પાવર પોલિસી – ૨૦૨૧ અમલમાં છે. રાજ્યમાં ૩૦ એપ્રિલ ૨૦૨૩ ની સ્થિતિએ સોલાર રૂફટોપ સિસ્ટમ અને જમીન ઉપર સ્થાપિત સોલાર પ્રોજેક્ટમાં ૯,૪૫૫.૭૧ મેગાવોટ સાથે સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ક્ષમતા સાથે દેશમાં દ્વિતિય સ્થાને છે.

સમગ્ર ભારતમાં ૩૧ માર્ચ- ૨૦૨૩ની સ્થિતિએ ૬૬,૭૮૦.૩૬ મે. વો. ક્ષમતાના સૌર પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જે પૈકી ૯,૩૨૦.૫૮ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતનું યોગદાન ૧૪ ટકા સાથે દ્વિતિય સ્થાને છે.

ગુજરાતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવેલ સિધ્ધીઓની વિગતો

રાજયમાં બિન પરંપરાગત ઉર્જા અતર્ગત વિન્ડ પાવર પ્રોજેક્ટ ક્ષેત્રે ૯,૯૧૦.૦૭ મે.વોટ ક્ષમતા, સોલાર પાવર પ્રોજેક્ટ અતર્ગત જમીન ઉપર સ્થાપિત ક્ષમતામાં ૬,૯૦૨.૦૩ મેગાવોટ અને રહેણાંક ઉપર સ્થાપિત સોલાર રૂફ ટૉપ ૧,૮૦૨.૯૧ મેગાવોટ, બિનરહેણાંકીય સોલાર રૂફ ટૉપ ક્ષેત્રે ૭૫૦.૭૭ મેગાવોટ મળી કુલ ૯,૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે. એ જ રીતે, વિન્ડ સોલાર હાઈબ્રીડમાં ૪૧૦.૨૩ મેગાવોટ, બાયો માસ ક્ષેત્રે ૮૧.૫૫ મેગાવોટ, સ્મોલ હાયડ્રો પાવર ક્ષેત્રે ૮૨.૧૫ મેગાવોટ, વેસ્ટ ટુ એનર્જી ક્ષેત્રે ૭.૫૦ મેગાવોટ મળી કુલ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૧૯,૯૪૭.૨૧ મેગાવોટ ક્ષમતા રાજયમાં ઉપલબ્ધ છે.

રાજ્યની રિન્યુએબલ એનર્જી હેઠળ પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા ૩૧-૦૩-૨૦૨૩ની સ્થિતિએ સમગ્ર દેશની કુલ સ્થાપિત ક્ષમતા ૧,૨૫,૧૫૯.૮૩ મે. વો.ની સાપેક્ષે ગુજરાત ૧૫.૪% સાથે ૧૯,૨૯૦.૯૪ મે.વો.સ્થાપિત ક્ષમતા છે.

રાજયમાં રિન્યુએબલ પાવરના વિવિધ સ્રોતમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ, સોલાર પાવર પ્રોજેક્ટ્સ,નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સ,બાયોમાસ પ્રોજેક્ટ્સ હેઠળ કુલ ૧૯,૨૯૦.૯ મેગાવોટ ક્ષમતાના પ્રોજેકટસ સ્થાપીને ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ ક્ષેત્રે ૫૦.૮ ટકા, સોલાર પાવર પ્રોજેક્ટ્સ ક્ષેત્રે ૪૮.૩ ટકા, નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સ ક્ષેત્રે ૦.૪ ટકા અને બાયોમાસ પ્રોજેક્ટ્સ ક્ષેત્રે ૦.૫ ટકા કામગીરી કરવામાં આવી છે.

રાજયમાં બિન પરંપરાગત અને પરંપરાગત ઉર્જાના પાવર સ્ત્રોત અંતર્ગત કુલ સ્થાપિત ક્ષમતા ૪૫,૯૧૨ મેગાવોટ સાથે ૧૦૦ ટકા સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાતનો દેશમાં ૧૧ ટકા હિસ્સો છે. જેમાં બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ૪૨ ટકા અને પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ૫૮ ટકા હિસ્સો છે.