કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરનારા દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
રાજ્યમાં બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ એકમો અપૂરતા
બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી એકમો દ્વારા રાજ્યમાં હોસ્પિટલો, દવાખાનાઓ અને લેબોરેટરીઓ દ્વારા ઉત્પન્ન થતા બાયોમેડિકલ વેસ્ટ કલેક્ટ કરી તેની નિયમ અનુસાર ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવામાં આવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીની વેબસાઈટ અનુસાર હાલમાં 21 જેટલા એકમો આ કાર્ય માટે રજીસ્ટર્ડ છે, જે રાજ્યમાં આવેલ દવાખાનાઓ, લેબોરેટરીઓ વગેરેની સંખ્યા અનુસાર પ્રમાણમાં અપૂરતી સંખ્યા છે. પરિણામસ્વરૂપ રાજ્યમાં ઉત્પન્ન થતા બાયો મેડિકલ વેસ્ટનું અયોગ્ય રીતે સંચાલન થાય છે.
કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલીટીમાં પ્રદુષણના નિયમોનુ ઉલ્લંઘન
બાયો મેડિકલ વેસ્ટને કલેક્ટ કરી નિયમ અનુસાર ટ્રીટમેન્ટ કરતા એકમોની ઓછી સંખ્યા બાયો મેડિકલ વેસ્ટના વ્યવસ્થાપન માટે ઊંચા ભાવો તરફ દોરી જાય છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સીપીસીબીની માર્ગદર્શિકા અનુસાર 75 કિલોમીટરની ત્રિજ્યામાં કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી હોવી જોઈએ, પરંતુ આ કામમાં ઊંચું વળતર મળતું હોવાથી હયાત એકમો દ્વારા શામ, દામ, દંડ, ભેદ અને જીપીસીબીના અધિકારીઓ સાથે મેળાપીપણાના કારણે આ ક્ષેત્રે નવા એકમોનો પ્રવેશ મુશ્કેલ બનેલ છે, જેના કારણે હયાત એકમોનું આધિપત્ય જળવાઈ રહેલ છે. આ એકમો દ્વારા બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતુ હોઇ પડતર કિંમત ઓછી થવાથી વળતર ઉંચુ મળે છે.
- આ એકમો દ્વારા નિયમોનુસાર પેદા થતા કચરાને ઉત્પાદનના ૪૮ કલાકની અંદર એકત્રિત કરીને તેનો નિકાલ કરવામાં આવતો નથી.
- આ એકમો દ્વારા કામદારોને માસ્ક/એપ્રોન્સ, હેન્ડ ગ્લોવ્ઝ, ગમ બૂટ્સ/ સેફ્ટી ગોગલ્સ વગેરે જેવા ત્રિ-સ્તરીય ઉપકરણો પ્રદાન કરાવવામાં આવી રહ્યાં નથી.
- GPS ધરાવતા વાહનો અને OCEMS સિસ્ટમના નિયમોનુ પણ પાલન કરવામાં આવતુ નથી.
- સેકન્ડરી કમ્બન્શન ચેમ્બરને 2 સેકન્ડ રીટેન્શન ટાઇમ આપવામાં આવતો નથી.
- ડાયોક્સીન અને ફ્યુરોન જેવા પ્રદૂષકને માપવામાં આવતુ નથી. આ બે મહત્વપૂર્ણ પ્રદૂષકને માપવા સૌથી મહત્વપૂર્ણ છે.
- બારકોડેડ, લેબલિંગ અને ટ્રેકિંગ સિસ્ટમ અસરકારક અમલીકરણ કરવામાં આવતુ નથી.
બાયો મેડિકલ વેસ્ટથી જીવન અને પર્યાવરણને ગંભીર હાનિ
બાયો મેડિકલ વેસ્ટથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તેથી આ પ્રકારના કચરાને નિયંત્રિત કરવા અને સુરક્ષિત રીતે નિકાલ કરવા માટે ખાસ વ્યવસ્થા અને નિયમો હોય છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવા એકમો સામે તાત્કાલિક નિયમો અનુસાર કાર્યવાહી કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય પહેલ રહેશે.
આરોગ્યની દ્રષ્ટિએ બાયોમેડિકલ વેસ્ટ સાઇટ એ ખૂબ જ આવકાર્ય છે. પરંતુ બાયોમેડિકલ વેસ્ટ રૂલ 2000ના કાયદાઓનું આ સાઇટના માલિકો દ્વારા પોતાના આર્થિક અંગત સ્વાર્થ માટે સરેઆમ ઉલંઘન કરવામાં આવતુ હોવાનુ ચર્ચાઇ રહેલ છે. આ બાબતે એક હાથે તાળી પડે શકે એમ નથી એટલે કે જીપીસીબીના અધિકારીઓ અને કોમન બાયોમેડિકલ વેસ્ટ સાઇટના જવાબદાર ડાયરેક્ટરો વચ્ચે મિલીભગત છે તેવી છાપ ઉપસ્થિત થાય છે.
- હોસ્પિટલો, દવાખાનાઓ તથા ક્લિનિકોમાંથી નિયમાનુસાર દરરોજ બાયોમેડિકલ વેસ્ટ એકત્ર કરવાનો હોય છે, પરંતુ આ બાબતે ગંભીરતા હોય તેવું જણાવતો નથી કારણ કે માહિતગાર વર્તુળો દ્વારા જાણવા મળેલ છે કે હોસ્પિટલોમાંથી બાયોમેડિકલ વેસ્ટ અઠવાડિયામાં માત્ર બે દિવસ એકત્ર કરવામાં આવે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.
- પ્લાસ્ટિક કેથેટર, પ્લાસ્ટિકની સિરીંજો, ગ્લુકોઝ બોટલ વગેરે બિન વપરાશી તથા વપરાયેલી વસ્તુઓની રીકવોન્ટમીનેશન કર્યા સિવાય બારોબાર શ્રેડિંગ (કટીંગ) કરી વેચવામાં આવે છે, જેનો યોગ્ય રેકોર્ડ રાખવામાં આવતો નથી.
- બાયો મેડિકલ વેસ્ટ ઇન્સિનરેશનનું બંને ચેમ્બર્સનું તાપમાન નિયત કર્યા મુજબનું હોય તો જ બાયોમેડિકલ વેસ્ટ ઇન્સિનરેશન થાય છે, તથા આ ઇન્સિનરેશનનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરી ટેમ્પરેચર કેલિબ્રેશન કરવાનું હોય છે, જેમાં આવા એકમો દ્વારા ઉદાસીનતા દેખાડવામાં આવે છે.
- બાયો મેડિકલ વેસ્ટ ઇન્સિનરેશનમાંથી ફ્યુરોન અને ડાયોક્સિન એવા 17 પ્રદૂષકો ઉત્પન્ન થાય છે જેનું મોનેટરીંગ વર્ષમાં 2 વાર કરવું જરૂરી હોય છે. આ બાબતની ફેસીલીટી જીપીસીબીની લેબોરેટરી પાસે હોવા છતાં તેનો ઈસ્પેકશન જીપીસીબી દ્વારા સમયાંતરે કરવામાં આવતું નથી.
- ડાયોકઝીન અને ફ્યુરોન જો વધારે માત્રામાં વાતાવરણમાં ઉત્સર્જિત થાય તો કાર્સિનોજેનીક હોવાના કારણે કેન્સર તથા ચામડીના રોગો થવાની પૂરેપૂરી શક્યતા છે. ડાયોકસીન અને ફયુરોન ગેસ ચામડીના સંપર્કમાં આવતા ચામડીના રોગ અને જો શ્વાસ વાટે શરીરમાં દાખલ થાય તો જનીનના બંધારણમાં ફેરફાર થઇ શકે છે જેનો ભોગ સંક્રમીત વ્યક્તિના સંતાનોને તેના ભોગ બની શારીરિક ખોડખાંપણ થઈ શકે છે.