કોઈપણ રાજકીય પાર્ટી આવે મૂળી તાલુકાને પાણી આપો : ખેડુત આગેવાનો

સુરેન્દ્રનગર જીલ્લામાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં નર્મદાનાં નીર પહોંચી ચૂક્યા છે અને સુરેન્દ્રનગર જીલ્લો સૌરાષ્ટ્રનું ક્ચ્છનું પાણિયારું છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતો જ નર્મદા થી વંચિત રહ્યાં છે. મૂળી તાલુકાનાં ગામોમાં નર્મદાનું પાણી મળે તે માટે ખેડૂતો લડત લડવાના મુડ સાથે આગળ આવ્યા છે હાલ તમામ ગામોમાં મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ આયોજનનાં અનુસંધાને મૂળી તાલુકાનાં સરા ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં આસપાસનાં તમામ ગામોનાં સરપંચ અને સભ્યો ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ ગામોમાં આજદિન સુધી કેનાલ માટે કે સૌની યોજના થકી નર્મદાનાં નીર ખેડૂતોનાં ખેતર સુધી પહોંચી શકે તેવું કોઈ પણ આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી કે કોઈ સરવે પણ કરવામાં આવ્યો નથી. ત્યારે ખેડૂતો આ બાબતે સરકારમાં રજૂઆત છેલ્લા ૮ વર્ષથી કરી રહ્યા છે. પરંતુ આ ગામનાં ખેડૂતો ઉપર ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેમ એકપણ યોજના હેઠળ પાણી મળતુ નથી. તે માટે સરકાર ચિંતિત પણ નથી. ત્યારે નર્મદાનાં નીર માટે રણશિંગુ ફૂંકી લડી લેવાનાં મુડ સાથે જો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહી કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો કરવા સરા ખાતે ખેડૂતોને આહવાન કરાયું હતું. સાથે આ આંદોલન કોઇપણ પક્ષનું નહીં પરંતુ ખેડૂતોનું હોવાથી ગમે તે પક્ષનાં લોકો આવી પાણી અપાવી શકે છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લાપંચાયત સદસ્ય ખીમાભાઇ સારદિયા,તાલુકાપંચાયત સદસ્ય મુનાભાઇ પટેલ, નવુભા ઝાલા , જીતુભાઇ પટેલ સહિત આસપાસ ગામાનં સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.ઝાલાવાડમાંથી નર્મદાની ૩ લાઇન પસાર થઇ રહી છે. તેમ છતાં છતાપાણીએ તરસ્યા જેવી સ્થિતિ છે. ત્યારે મૂળી તાલુકમાં ખેડૂતોને પિયત માટે નર્મદાનું પાણી મળે તે માટે ખેડૂતો વિવિધ ગામોમાં બેઠક કરી રહ્યા છે. મૂળીનાં સરા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિતિ રહી પાણીની માગ કરી આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો કરવાની જાહેરાત કરાઇ હતી.