G૨૦ પ્રતિનિધિઓએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી,આબોહવા પરિવર્તન માટે નાણાકીય સંસાધનો વધારવા પર ચર્ચા

G૨૦ સસ્ટેનેબલ ફાઇનાન્સ વર્કિંગ ગ્રૂ ના અંતિમ દિવસની શરૂઆત બુધવારે સવારે મહાબલીપુરમના મનોહર કોસ્ટ મંદિરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે થઈ હતી. આ પ્રસંગે “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિધ્ધા”ના સહભાગીઓ સાથે પ્રતિનિધિઓએ વાદળછાયા વાતાવરણમાં યોગ કર્યા હતા. છેલ્લા દિવસે મીટિંગના પ્રથમ સત્રમાં ટકાઉ વિકાસને ધિરાણ આપવા માટે ઇકોસિસ્ટમના ક્ષમતા નિર્માણ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલા સત્રમાં અપડેટ કરાયેલ ભલામણો પ્રતિનિધિઓને રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રતિનિધિઓએ આબોહવા-સંબંધિત રોકાણોમાં અવરોધોને દૂર કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી, જેમાં ૧૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. આબોહવા પરિવર્તન માટે નાણાકીય સંસાધનોના સમયસર અને યોગ્ય એકત્રીકરણ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો માટે ધિરાણ અને ઇકોલોજી માટે ક્ષમતા નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પ્રતિનિધિઓ સ્થાનિક પ્રવાસ પર ગયા હતા. મહાબલીપુરમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અગાઉ, ફાઇનાન્સ વર્કિંગ ગ્રૂપની બેઠકના બીજા દિવસે, આબોહવા સંકટનો સામનો કરવા માટે સમયસર પર્યાપ્ત નાણાકીય સંસાધનો એકત્ર કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. સભ્ય દેશોએ સોમવારે ચર્ચા કર્યા મુજબ કાર્બન ઉત્સર્જન ઘટાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગની સાથે આયોજિત વર્કશોપમાં ભારતીય પ્રમુખ ગીતુ જોશીએ જણાવ્યું હતું કે, ૨૦૩૦ આબોહવા લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નાણાકીય જોખમો, તકો અને અસરોને સમજવા માટે જરૂરી રહેશે. મીટિંગ દરમિયાન ઇન્ડોનેશિયન પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે આબોહવા અને સામાજિક નાણાંને કેવી રીતે એકત્ર કરવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મહાબલીપુરમ પહેલા, સસ્ટેનેબલ ફાઇનાન્સ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બે બેઠકો ગુવાહાટી અને ઉદયપુરમાં યોજાઈ હતી.