આકાશમાં રાત્રે એક લાઈનમાં ચાર ગ્રહોનો નજારો જોઈ શકાશે

જો તમને આકાશ દર્શનનો શોખ હોય, ગ્રહો,તારાઓ જોવાનું ગમતું હોય પરંતું ટેલિસ્કોપ જેવું સાધન ન હોવાથી જોઇ શકતા ન હોય તો અત્યારે એક અનોખી ખગોળીય ઘટના તમે નરી આંખે જોઇ શકો છો. આપણાં સૌરમંડળના ચાર ગ્રહો, મંગળ, શુક્ર, ગુરુ અને શનિને એક લાઇનમાં અને તે પણ  ટેલિસ્કોપ વિના સૂર્યોદય પહેલાં નરી આંખે જોઈ શકાશે. જો તમારી પાસે સાદુ દુરબીન હશે તો તેને વધુ સારી રીતે જોઇ શકાશે. નાસાનાં જણાવ્યા મુજબ એપ્રિલની શરૂઆતમાં મંગળ, શુક્ર અને શનિ વહેલી સવારે દેખાતા હતા.

હવે, આ ત્રણ ગ્રહો સાથે ગુરુની યુતિ થઇ છે અને ચાર ગ્રહો એક સીધી લાઇનમાં જોઈ શકાય છે. નાસા કહે છે કે, આ યુતિ એક ખગોળીય ઘટના છે જેમાં રાત્રિના આકાશમાં એક ગ્રહ અને ચંદ્ર અથવા એક ગ્રહ અને તારો એકબીજાની નજીક દેખાય છે.

જોકે ખગોળશાસ્ત્રની રીતે તેનું કોઇ ખાસ મહત્વ નથી, પરંતુ તેને જોવું એ અનોખો અનુભવ છે. આપણા સૌરમંડળમાં, ગ્રહો વચ્ચે  વારંવાર યુતિ થાય છે કારણ કે ગ્રહો સૂર્યની આસપાસ લગભગ એક જ પ્લેન-એક્લિપ્ટિક પ્લેનમાં પરિભ્રમણ કરે છે અને તેથી આવી યુતિ થાય છે. નાસાની વેબસાઈટ અનુસાર, પૃથ્વી કરતાં શુક્રની ભ્રમણકક્ષા સૂર્યની નજીક છે અને ગુરુની ભ્રમણકક્ષા ઘણી દૂર છે, તેથી તેઓ નજીક આવતા કે એક લાઇનમાં દેખાય તે ખરેખર તો એક એક ભ્રમણા છે.

નાસાએ કહ્યું છે કે આ યુતિ પહેલી મેની સવાર સુધી ચાલુ રહેશે, પરંતુ ગુરુ અને શુક્ર ગ્રહોની સ્થિતિ બદલાઇ જશે. બંને ગ્રહોનાં ઝળહળાટનાં લીધે તેઓ જાણે  એકમેકમાં ભળી જતાં હોય તેમ દેખાશે. આ અવકાશી ઘટના ૨૦૨૦ની ઘટના જેવી હશે જ્યારે ગુરુ અને શનિનું અલાઇનમન્ટ પણ નરી આંખે જોઈ શકાશે. આકાશમાં રાત્રે એક લાઈનમાં ચાર ગ્રહોનો નજારો જોઈ શકાશે