રાજકોટ જિલ્લામાં ખરાબ વાતાવરણથી જીરાના પાકને નુકશાન થવાની ભીંતી

રાજકોટ જિલ્લામાં છેલ્લા ૬ દિવસથી ગાઢ ધુમ્મસને કારણે સવારમાં જ ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. રાજકોટમાં  વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. બીજી તરફ વીરપુર, ગોંડલ અને જસદણ પંથકમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા હાઇવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. ગાઢ ધુમ્મસની સૌથી વધારે અસર જીરાના પાકને થઇ રહી છે, આથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

યાત્રાધામ વીરપુરમાં સતત પાંચમા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી જ ગાઢ ધુમ્મસને કારણે હાઇવે ચોમાસાની જેમ ભીના થયા હતા. રોડ-રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વહેલી સવારથી ઝાકળભર્યા વાતાવરણથી યાત્રાધામમાં કાશ્મીર જેવા આહલાદક નજારો જોવા મળ્યો હતો. ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક ચણા, ધાણા, જીરા સહિતને નુકસાની ભીતિ સેવાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. જસદણ પંથકમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું.

રાજકોટમાં  વહેલી સવારથી ૯ વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોને લાઈટો ચાલું રાખવી પડી હતી. ગઇકાલે જસદણ પંથકમાં વરસાદ પડ્યો હતો અને  સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. હાલ લોકો ચોમાસુ અને શિયાળાનો અનુભવ કરી રહ્યા છે.