૧૬૮થી વધુ દેશોમાં કેમિકલ્સની નિકાસ કરતા ગુજરાતનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં ૩૫% યોગદાન

  • ૨૦૪૭ સુધીમાં ગુજરાતનું ભારતના સ્પેશિયાલીટી કેમિકલ્સમાં ૪૦% યોગદાન આપવાનું લક્ષ્ય
  • VGGS 2024: અગ્રણી વૈશ્વિક અને રાષ્ટ્રીય કેમિકલ સેક્ટરની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે રસ દાખવ્યો

વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ માટે, ગુજરાત સરકાર સતત અનેક પ્રતિનિધિમંડળની મુલાકાતો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરી રહી છે. આ મુલાકાતો દ્વારા, પ્રતિનિધિમંડળો વન-ટુ-વન મિટીંગ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને સેમિનાર મારફતે વિવિધ ક્ષેત્રોની ૧૦૦૦થી વધુ કંપનીઓ સાથે જોડાઇ શક્યા છે.

ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળની આ મુલાકાતોએ રાજ્યની વિકાસ યાત્રા પ્રદર્શિત કરવાની, ભવિષ્યના વિકાસ માટેના રાજ્યના વિઝનને શેર કરવાની અને ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા માટે તેમને આમંત્રિત કરવાની અનન્ય તક પૂરી પાડી છે. આ મુલાકાતોએ વિવિધ ક્ષેત્રોમાં સંભવિત સહયોગ અને રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ચર્ચામાં જોડાવા અગ્રણી કંપનીઓના મેનેજમેન્ટ હેડને એક અનોખી તક પૂરી પાડી હતી.

VGGS ૨૦૨૪ રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતોમાંથી કેમિકલ સેક્ટર માટેની મુખ્ય વાતોઃ-

ગુજરાત હાલમાં રસાયણોના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં ૩૫% યોગદાન આપે છે, જે ગુજરાતને ભારતમાં રસાયણોના ઉત્પાદનમાં અગ્રેસર બનાવે છે. ગુજરાતમાંથી રસાયણોને યુએસએ, ચીન, બ્રાઝિલ, યુએઈ, જર્મની, ઇન્ડોનેશિયા, યુકે, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બેલ્જિયમ જેવા ટોચના નિકાસ સ્થળો સહિત ૧૬૮થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

ઈનઓર્ગેનિક કેમિકલ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પ્લાસ્ટિક, રબર, માનવસર્જિત ફિલામેન્ટ, માનવસર્જિત ફાઈબર્સ વગેરે જેવા વિવિધ પેટા ક્ષેત્રોમાં ભારતમાંથી રાસાયણિક ઉત્પાદનો અને પેટ્રોકેમિકલની નિકાસમાં પણ રાજ્ય રાષ્ટ્રીય રસાયણોમાં ૪૧% યોગદાન સાથે પ્રથમ ક્રમે છે.

વિવિધ ઉદ્યોગોમાં સ્પેશિયાલિટી કેમિકલની વધતી માંગ સાથે, ગુજરાત આ તકનો લાભ લેવા અને સ્પેશિયાલિટી કેમિકલના હબ તરીકે સ્થાપિત થવા માટે તૈયાર છે. ગુજરાત આયાત અવેજીકરણ ઘટાડવા અને હાલના રાસાયણિક ઉત્પાદનમાં વેલ્યૂ એડિશન કરવા તેમજ સ્પેશિયાલિટી કેમિકલ બજારની માંગને પહોંચી વળવા માટે ભારતમાં અગ્રણી રાજ્ય બનવાનું પણ લક્ષ્ય ધરાવે છે. ગુજરાત હાલમાં ભારતના સ્પેશિયાલિટી કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગમાં ૧૪% યોગદાન આપે છે અને ૨૦૪૭ સુધીમાં ૪૦% સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. રાજ્યમાં સુવિકસિત કેમિકલ સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળ વર્કફોર્સ તેમજ સરકારી સહયોગ, સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટ્‌સ અને તેને સંલગ્ન ઉત્પાદનોમાં રોકાણ આકર્ષવામાં મદદ કરી શકે છે.

આ લક્ષ્ય હાંસલ કરવા માટે, આ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રોડ શો દરમિયાન તેમજ પ્રતિનિધિમંડળની મુલાકાતો દરમિયાન, ગુજરાત સરકારે અગ્રણી વૈશ્વિક અને રાષ્ટ્રીય કેમિકલ ક્ષેત્રની કંપનીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. આ ચર્ચાઓમાં જર્મની, ઈટાલી, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, લખનઉ, ચંદીગઢ સ્થિત ભારતીય કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે રસ દર્શાવ્યો છે. જેમાં કોટિંગ્સ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન કેમિસ્ટ્રી, બાયોટેક્નોલોજી, પેઇન્ટ્‌સ, કન્ઝ્યુમર કેર, સોડા એશ વગેરે જેવા વિવિધ પેટા ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે.

અલ્ટાના ગ્રુપ અને કોવેસ્ટ્રો એજી જેવી અગ્રણી જર્મન કંપનીઓ સાથે ભારતમાં નવી મેન્યુફેક્ચરિંગ કેપેબિલીટીઝ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુથી ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી માત્ર આયાત અવેજીમાં જ મદદ નહીં કરે, પરંતુ સાથે-સાથે ભારતને આવા ઉદ્યોગો માટે નિકાસ હબ બનાવવામાં પણ મદદ કરશે. આ મુલાકાતો દરમિયાન મળેલી કેટલીક કંપનીઓમાં અડેકા કોર્પોરેશન (જાપાન), BASF (જર્મની), COIM ગ્રુપ (ઇટાલી), લોટ્ટે ફાઇન કેમિકલ (દક્ષિણ કોરિયા), સેમ્પ્યુટિક્સ (કર્ણાટક), બર્જર પેઇન્ટ્‌સ (પશ્ચિમ બંગાળ), આરએસપીએલ (ઉત્તર પ્રદેશ) વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ફોલો-અપ ડિસ્કશનમાં ૧૦થી વધુ કંપનીઓ સાથે મુલાકાત કરવામાં આવી, જેથી આ રોકાણ પ્રક્રિયાઓને વહેલામાં વહેલી તકે આગળ લઈ જઈ શકાય. આ કંપનીઓ સાથેની ભાગીદારી અને સહયોગ ગુજરાતને સ્પેશિયાલિટી કેમિકલ્સ સેક્ટરમાં અગ્રણી રાજ્ય બનાવવા, અદ્યતન ઉત્પાદન તકનીકો લાવવા અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરશે.