ખિડુકપાડામાં ઈંટથી નહીં પણ પ્લાસ્ટિકની ૧૦૦૦ બોટલ્સથી બનાવવામાં આવ્યું ઇકો-ફ્રેન્ડ્લી ટોયલેટ
મુંબઈ: સોશ્યલ મીડિયાના જાણીતા કન્ટેન્ટ ક્રીએટર સિદ્ધેશ લોકરે અને દીપક વિશ્વકર્માએ તાજેતરમાં નવી મુંબઈમાં આવેલા કળંબોલીના ખિડુકપાડા નામના ગામમાં ઇકો-ફ્રેન્ડ્લી ટાઇલેટ બનાવ્યું છે. આ બન્ને ક્રીએટ ટુગેધર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર છે. બન્નેએ આ પ્રોજેક્ટ એક અઠવાડિયામાં ખિડુકપાડા ગામની મહિલાઓ અને વોલેન્ટિયર્સની મદદથી પૂરો કર્યો છે.
સાંભળીને નવાઈ લાગશે કે આ ટાઇલેટ ઈંટથી નહીં પણ પ્લાસ્ટિકની ૧૦૦૦ બોટલ્સથી બનાવવામાં આવ્યું છે. આ જ કારણે એને ઇકો-ફ્રેન્ડ્લી નામ અપાયું છે, જેમાં આ ટાઇલેટથી ખિડુકપાડા ગામના પરિવારોને ફાયદો થયો છે. બન્નેએ પ્લાસ્ટિકની બોટલોમાંથી ટાઇલેટ બનાવવાની પ્રક્રિયા જણાવતાં સિદ્ધેશે કહ્યું કે, તમે પ્લાસ્ટિકની બોટલ્સ ભેગી કરો અને એમાં કોઈ પણ પ્રકારનો કચરો, ટુકડા અને પેપર્સ ભરો. આ પ્લાસ્ટિકની બોટલ્સનો ઉપયોગ ઈંટને બદલે કરવામાં આવશે અને એથી એ ઇકો-બ્રિક્સ કહેવાશે. આ રીતે મજબૂત અને કાયમી માળખું ઊભું કરી શકાશે અને સાથે જ પૈસાની પણ બચત થશે.