ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિ.મી દૂર ધરતીકંપ, ૩.૨ની તિવ્રતાનો આંચકો નોંધાયો
ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિલોમીટર દૂર પાકિસ્તાન બાજુના દુર્ગમ વિસ્તારમાં ધરતીકંપનો આંચકો ગાંધીનગરની ગુજરાત સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઈટમાં દર્શાવાયો છે. ભૂંકપ ઝોન ૫માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા સમયાંતરે આવતા જ રહે છે. મોટા ભાગના આંચકા બપોર પહેલાના સમયગાળા દરમ્યાન નોંધાયા છે.
કચ્છમાં નલિયા સિવાય શિયાળાની ઠંડીએ હજુ સુધી જોઈએ તેવી પકડ જમાવી નથી પરંતુ ઠંડીના દિવસોમાં ભૂંકપના આંચકાએ જરૂર હાજરી નોંધાવી દીધી છે. સોમવારની પરોઢે ૪.૧૭ કલાકે ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિલોમીટર દૂર પાકિસ્તાન બાજુના દુર્ગમ વિસ્તારમાં ૩.૨ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો ગાંધીનગર સ્થિત ગુજરાત સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઈટમાં દર્શાવાયો છે.
જોકે આ કચેરી તરફથી જાહેર કરાયેલી વિગતમાં આફ્ટરશોકની તિવ્રતા ૨.૬ દર્શાવાઇ છે. તેથી આંચકાની તિવ્રતા માટે અસંગતતા સર્જાતી જોવા મળી હતી. ભૂંકપ ઝોન ૫માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા સમયાંતરે આવતા રહે છે. એક માસ પૂર્વે ૩૧ ઓક્ટોબરના સવારે ૯.૩૮ કલાકે ૩.૧નો આંચકો નોંધાયો હતો. તેના એક દિવસ પહેલા તા. ૨૯ ઓક્ટોબરના પણ ૩.૨ની તિવ્રતાનો આફ્ટરશોક સવારે ૮.૧૯ કલાકે રિકટર સ્કેલ પર નોંધાયો હતો. આ જ માસની તા. ૧૯ના સવારે ૧૦.૧૦ વાગ્યે ૩.૬ની તિવ્રતા ધરાવતો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયો હતો. આમ એક માસના અંતરાલ બાદ ફરી આજે ધરતીકંપના આંચકાએ પોતાની હાજરી પુરાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા માસ દરમ્યાન આવેલા મોટા ભાગના આંચકા બપોર પહેલાના સમયગાળા દરમ્યાન નોંધાયા છે. મહત્વનું છે કે વર્ષ ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીના આવેલો મહાભૂંકપ પણ સવારે ૮.૪૬ના અરસામાં આવ્યો હતો.