જાણીતી કંપનીના ડુપ્લિકેટ મસાલા બનાવતું ગોડાઉન સુરત શહેરમાં પકડાયું, કુલ ૮ લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં વેપારી ડુપ્લીકેટ મસાલાનો માલનો જથ્થો ટેમ્પોમાં ભરી પલાયન થઇ ગયો હતો. જેથી પાલિકાની ટીમ દ્વારા પાંડેસરા પોલીસને જાણ ક૨વામાં આવતા પોલીસે તમામ પોલીસ સ્ટેશનમાં મેસેજ પાસ કરી દીધો હતો. આ દરમિયાન ગોડાદરા વિનાયક હાઈટ્સ પાસેથી પોલીસે શંકાને આધારે ડુપ્લીકેટ એવરેસ્ટ બ્રાન્ડના મસાલાનો જથ્થો ભરેલ ગાડી સાથે વેપારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા ૬.૪૮ લાખની કિંમતના ૭ ગ્રામના પેકીંગવાળા ૧.૨૯ લાખ પાઉચ કબજે કરી કુલ ૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોડાદરા પોલીસનો સ્ટાફને ગત તા ૨૧મીના રોજ પેટ્રોલીંગ દરમ્યાન વિનાયક હાઈટ્સ પાસેથી શંકાને આધારે એવરેસ્ટ બ્રાન્ડના મીટ માસાલાનો જથ્થો ભરેલા મહિન્દ્રા કંપની બોલેરો ગાડી સાથે પવન ઉર્ફે ધીરજ પ્રકાશ કલાલ નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે એવરેસ્ટ ફ્રુડ પ્રોડ્કટ પ્રા. લિ કંપનીના સુરતના ફિલ્ડ ઓફિસર યોગેશ ભુપેન્દ્ર ગાંધીને બોલાવી ખરાઈ કરાવી હતી. જેમાં માસાલાનો જથ્થો ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ડુપ્લીકેટ એવરેસ્ટ બ્રાન્ડના મીટ મસાલાના ૭ ગ્રામના પાઉચ નંગ- ૧,૨૯,૬૦૦ જેની કિંમત રૂપિયા ૬,૪૮,૦૦૦ અને મહિન્દ્રા કંપનીનો પિક-અપ ફોર વ્હીલ બોલેરો ગાડી કબજે કરી હતી. પોલીસે કંપનીના ફિલ્ડ ઓફિસર યોગેશ ગાંધીની ફરિયાદ લઈ આરોપી પવન કલાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પવન ઉફે ધીરજનું પાંડેસરા વિસ્તારમાં મસાલાનું ગોડાઉન આવેલું છે. પાલિકાના આરોગ્ય વિભાગની ટિમ દ્વારા દરોડા પાડવામાં આવતા તે ટેમ્પોમાં ભરેલો ડુપ્લીકેટ મુદ્દામાલ લઈને પલાયન થઇ ગયો હતો. જેથી પાલિકા દ્વારા તેના ગોડાઉનમાં રહેલા મુદ્દામાલને અંદર જ રહેવા દઈ હાલમાં તાળું મારી દેવામાં આવ્યું છે. હવે વેપારી પકડાઈ જતા તેને સાથે રાખી ગોડાઉન ખોલી વધુ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી પવન છેલ્લા સાત મહિનાથી ડુબલીકેટ મસાલાનો કાળો વ્યાપાર કરતો હતો. અત્યાર સુધી લાખો રૂપિયાનો ડુપ્લીકેટ મસાલાનો જથ્થો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સપ્લાય કરતો હતો.