વિકાસ એ ગુજરાતનો મિજાજ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

  • રાજ્યની ઉધોગ નીતી ભવિષ્યના ગુજરાતની કલ્પના અને ગુજરાત તરફ લોકોની આશા-આકાંક્ષાઓને નવી દિશા આપનારી
  • ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી
  • દેશના ઉત્પાદનમાં ૧૮ ટકાથી વધુ હિસ્સો ગુજરાત ધરાવે છે
  • વિશ્વની ૫૦૦ ફોર્ચ્યુન કંપનીઓ પૈકી ૧૦૦થી વધુ કંપનીઓ ગુજરાતમાં

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. દેશના અન્ય રાજ્યોએ ગુજરાતનો આ માર્ગ અપનાવ્યો છે. એટલું જ નહીં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પણ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યુ છે. જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે.

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વિકાસ એ હવે ગુજરાતનો મિજાજ બન્યો છે અને જન સુખાકારી તથા જન કલ્યાણના કાર્યો થકી ગુજરાતે ઉત્તમ સ્થિતિ હાંસલ કરી છે.

ઉધોગ મંત્રીએ જણાવ્યું હતું કે, ગૃહના તમામ સભ્યો ભલે તેઓ ગમે તે પક્ષના હોય, પરંતુ તેમણે એક વાત તો સ્વીકારવી રહી જ કે, ગુજરાતની વર્તમાન ઔદ્યોગિક વિકાસ યાત્રાના એકમાત્ર પ્રણેતા એ ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને આપણે સૌએ આ માટે તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. તેમણે આપણી અને  આવનારી પેઢીઓ માટે એક સમૃદ્ધ, વિકસિત અને આધુનિક ગુજરાતની કલ્પનાને સાકાર સ્વરૂપ આપ્યું છે.

ઉધોગ મંત્રીએ વર્ષ ૨૦૨૪-૨૫ના ઉદ્યોગ વિભાગની રૂ.૯૨૨૮ કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની ઉધોગ નીતિએ ભવિષ્યના ગુજરાતની કલ્પના અને ગુજરાત તરફે લોકોની આશા-આકાંક્ષાઓને નવી દિશા આપનારું છે. ગુજરાતે દસમી ગ્લોબલ સમિટના આયોજનથી વિશ્વના દેશોમાં આગવું સ્થાન બનાવ્યુ છે. અને ૨૦૦૩ થી ૨૦૧૯ સુધીના નોંધાયેલ કુલ ૧,૦૪,૮૭૨ પ્રોજેક્ટ પૈકી ૭૨,૦૧૮ પૂર્ણ થયા, ૨૩૩૨ અમલીકરણ હેઠળ છે. આમ, સફળતાનો આંક ૭૦.૯૦ % જેટલો છે.

ઉધોગ મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. દેશના ઉત્પાદનમાં ૧૮ ટકાથી વધુનો હિસ્સો ગુજરાત ધરાવે છે. ૨૦૧૬-૧૭ થી સતત ચોથી વખત ગુજરાત આ બાબતે ભારતમાં પ્રથમ છે. ૨૦૨૧ માં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા ૮૪.૫ ટકા પ્લેસમેન્ટ આપ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં ગુજરાતે ૨૨ લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી, જે દેશની કુલ નિકાસના ૩૩ ટકા જેટલી છે.

ઉધોગ મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વની ૫૦૦ ફોર્ચ્યુન કંપનીઓ પૈકી ૧૦૦થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાત સમગ્ર દેશમાં જીડીપી ક્ષેત્રે ૮.૨ ટકાનો હિસ્સો આપે છે. દેશની ૧૧ ટકાથી વધુ ફેક્ટરીઓ ગુજરાતમાં છે. ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં ૫૫ મિલિયન યુએસ ડોલરથી વધુ એફ.ડી.આઈ આવ્યુ. છેલ્લા ૨૦ વર્ષોમાં થયેલા આર્થિક વિકાસના કારણે ગુજરાતના પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક રૂ. ૧૮૩૯૨થી વધીને રૂ. ૨,૭૩,૫૫૮ થઈ છે.

ઉદ્યોગ મંત્રીએ ગુજરાતમાં ચાલતા મોટા પ્રોજેક્ટ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલ-૨૦૨૩ સુધીમાં મોટા પ્રોજેક્ટ સ્થાપવામાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. ૬૨ પ્રોજેક્ટમાં કુલ ૩૧,૨૭૯ કરોડના સૂચિત મૂડી રોકાણ થયા છે. આ માટે આગામી વર્ષ માટે ચાલુ બાબત તરીકે ૮૦૦ કરોડ તથા નવી બાબત તરીકે ૩૪૫ કરોડ જોગવાઈ કરી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, દસમી વાઇબ્રન્ટ આ સમિટ એ માત્ર રોકાણ માટેની નહીં, પરંતુ જ્ઞાન -ટેકનોલોજીના આદાનપ્રદાન, નેટવર્કિંગ, સામાજિક-આર્થિક વિકાસનું પ્લેટફોર્મ અને ભવિષ્યના ભારત અને વિશ્વના વિકાસની નવી ક્ષિતિજો ખોલતી સમિટ સાબિત થઈ છે. આ સમિટ દરમિયાન રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ૪૫ લાખ કરોડથી વધુ રકમના ૯૮ હજારથી વધુ એમ.ઓ.યુ. થયા છે. જે પૈકી ૫૦ % જેટલા એમ.ઓ.યુ. ગ્રીન ગ્રોથ એટલે કે ગ્રીન હાઈડ્રોજન અને રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રે થયા હતા.

ઉધોગ મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતે બતાવેલ માર્ગ ઉપર આજે ભારતના અન્ય રાજ્ય ચાલી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અન્ય રાજ્યોમાં પણ યોજાઈ રહી છે અને તેનો શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે.

ઉધોગ મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે “વાઈબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ” હેઠળ ૩૨ જિલ્લાઓમાં કાર્યક્રમો કર્યા. જે અંતર્ગત ૨૬૦૦ થી વધુ એમ.ઓ.યુ. થયા છે અને તેની કુલ રકમ ૪૫૦૦૦ કરોડથી વધુની હતી. તથા દોઢ લાખથી વધુ નવી રોજગારીનું સર્જન ગુજરાતમાં થશે તેવો વિશ્વાસ ઉધોગ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ઉધોગ મંત્રીએ બજેટમાં ૧૫૫૦ કરોડ રૂપિયા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને આત્મ નિર્ભર ગુજરાત હેઠળ પ્રોત્સાહન રૂપે આપવાના આયોજનની જાણકારી આપી હતી.

ઉધોગ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો યુવાન નોકરી માંગનાર નહીં પરંતુ નોકરી દાતા તરીકે હવે આગળ આવ્યો છે ત્યારે આપણું આ રાજ્ય ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ખૂબ મહત્વના સ્થાને પહોંચી ગયું છે. તાજેતરમાં જ ગુજરાતને સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ મળ્યો છે અને આ એક વખત નહીં સતત ચોથી વખત એવોર્ડ મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ વર્ષે પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ૧૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ઉધોગ મંત્રીએ ઉમેર્યું હતું કે, દેશમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયાની શરૂઆત થઈ ત્યારબાદ ભારત આજે વિશ્વમાં ૧ લાખ ૧૭ હજાર જેટલા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ અને ૧૧૧ યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું હબ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૫ માં ગુજરાતે સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી હતી અને આવું કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું.

ઉધોગ મંત્રીએ જણાવ્યું હતું કે,દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરમાં આવતા ગુજરાતના અગત્યના પ્રોજેક્ટ – ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રદેશમાં પણ ૫૩૧ એકર ઔધોગિક જમીન ફાળવી છે. જેમાં દોઢ લાખથી વધુ કરોડનું રોકાણ થશે અને અંદાજે એક લાખ રોજગારી પણ મળશે.

ઉધોગ મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી હેઠળ ટેક્સટાઇલ એકમોને પાંચ વર્ષ માટે વ્યાજ અને પાવર ટેરીફ સહાય તથા આઠ વર્ષ માટે વેટ /એસજીએસટી કન્સેસન સહાય, એનર્જી કન્ઝર્વેશન, વોટર કંઝર્વેશન, ટેકનોલોજી અપગ્રેડેશન તાલીમ સંસ્થા અને તાલીમાર્થીઓને સહાય તથા ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક સ્થાપિત કરવા માટેની સહાય રાજ્ય સરકારે પૂરી પાડી છે. ગુજરાત ટેક્ષ્ટાઈલ નીતિ હેઠળ ચાલુ વર્ષે ૧૦૦૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

ઉધોગ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યને સેમીકંડક્ટરનુ હબ બનાવવા માટે એક અલાયદી પોલીસી બનાવી અને મિશન રૂપે કામ શરૂ કર્યું છે. અંદાજે ૨૨,૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા આ એકમમાં વર્ષ ૨૦૨૫ થી ઉત્પાદન શરૂ થશે અને તકનીકી ક્ષેત્રે ૫૦૦૦ પ્રત્યક્ષ અને ૧૫૦૦૦ પરોક્ષ એમ કુલ ૨૦,૦૦૦ નવી રોજગારીઓનું સર્જન થશે.

ઉધોગ મંત્રીએ ઉમેર્યું હતું કે, દરેક તાલુકે એક જીઆઈડીસી સ્થાપવાના લક્ષ્ય સાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સરકાર કાર્યરત છે. હાલના ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ૪૨ જેટલા મલ્ટી લેવલ શેડ(પ્લગ એન્ડ પ્લે), ૧૧ જેટલા મહિલા પાર્ક અને એમ.એસ.એમ.ઈ.પાર્ક, ટેક્સટાઇલ પાર્ક, સિરામિક પાર્ક,  મેડિકલ ડિવાઇસ પાર્ક, જવેલરી પાર્ક, ટોય પાર્ક, સ્ક્રેપ પાર્ક જેવા નવીન પ્રકલ્પ અમલમાં છે.

ઉદ્યોગકારોની સરળતા માટે ૧૮ વિભાગોની ૨૦૦ થી વધુ પ્રકારની અરજીઓ ઓનલાઈન કરવા તથા ૨૦ થી વધુ સેકટર સ્પેસિફિક નિતીઓ અમલમાં મુકીને ગુજરાતે વ્યાપાર ધંધા કરવાની સરળતામાં ઉત્તમ પ્રદાન કર્યુ છે.

ઉધોગ મંત્રીએ ખાણ અને ખનીજ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૪૨૨ માઈનિંગ લીઝ અને ૭૩૧૩ ક્વોરી લીઝ છે, ત્યારે છેલ્લા ૦૨ વર્ષમાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન હેઠળ ૧૮,૭૩૩ કેસ કરી રૂપિયા ૩૪૨ કરોડથી વધુની વસુલાત કરવામાં આવી છે.

ઉધોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે ત્રિનેત્ર – ડ્રોન મારફતે સર્વેલન્સ કરીને ૧૪૦૦ થી વધુ દરોડા પાડીને ૭૦૦ થી વધુ કેસ પકડી ૧૦૦૦ લાખથી વધુ વસુલાત કરી છે. છેલ્લા ૦૨ વર્ષમાં ખનિજક્ષેત્રે રૂ. ૩૮૦૦ કરોડથી વધુની મહેસુલી આવક કરેલ છે. ખનીજ હેરફેર સાથે સંકળાયેલ વાહનોને જી.પી.એસ. મારફતે ચોક્કસ સમયે ટ્રેકીંગ  કરી તેની ઉપર નજર રાખી બિનઅધિકૃત પ્રવૃતિ ઉપર અંકુશ રાખવામાં આવ્યો છે.

ઉધોગ મંત્રીએ પરમીટ વાળા વિસ્તારોના ગામનાં વિકાસ સંદર્ભે જણાવ્યું હતું કે, રેતી, કંકર અને ગ્રેવલની પરમિટ / ક્વોરી લીઝ ની જે રોયલ્ટી પ્રાપ્ત થાય છે, તેમાંથી  ૫% વહીવટી ચાર્જ કાપીને ૯૫% રકમ જે-તે જિલ્લા પંચાયતને આપી જે-તે ગામનો વિકાસ કરવામાં આવે છે. ખનીજ વાળા વિસ્તારોમાં ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન (ડી.એમ.એફ.) રચવાનું કામ ૩૨ જિલ્લાઓમાં થયું છે. તે હેઠળ રાજ્યના ૨૧૦૦ થી વધુ ગામોને તેમાં પ્રભાવિત ગામોની યાદીમાં સમાવેશ કર્યા છે.

ગુજરાત ખનીજ વિકાસ નિગમે ગત વર્ષે ૧૫૦૦૦ કરોડ સુધીનું માર્કેટ કેપિટલાઈઝેશન હાંસલ કરેલ છે અને નિગમની નેટ વર્થ સપ્ટેમ્બર-૨૦૨૩ સુધીમાં ૫૭૭૯ કરોડ પહોંચી છે તેમ ઉધોગ મંત્રીએ ઉમેર્યું હતું. ગુજરાત વિધાનસભા ખાતે ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણીઓ પસાર કરવામાં આવી છે.