પાલનપુર નગરપાલિકાની ડમ્પીંગ સાઈટ પરથી ૪૦ દિવસમાં કચરો દૂર કરવાની માગ

પાલનપુર નગરપાલિકાની ડમ્પીંગ સાઈટ પર કચરાના મોટા ઢગલા થઈ જતા આસપાસના ગામના લોકો મુશ્કેલીમાં મૂકાયા હોવાની વિપક્ષના નેતાએ રજૂઆત કરી છે. ચાલીસ દિવસમાં આ કચરાનો અહીંથી નીકાલ કરવાની માગ કરવામાં આવી છે. જો કચરો દૂર ના થાય તો આત્મવિલોપન કરવાની વિપક્ષના નેતાએ ચીમકી ઉચ્ચારી છે. પાલનપુર નગરપાલિકાના નેતા વિપક્ષ અંકિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, પાલનપુરમાં તો ચાર એન્જિનવાળી સરકાર છે. તેમ છતા નગરપાલિકાની ડમ્પીંગ સાઈટ પરથી કચરો દૂર કરવામાં આવતો નથી. કચરાના ઢગલાના કારણે અહીંથી પસાર થતા ગામલોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો પાલિકા દ્વારા આ કચરાના ઢગલા ચાલીસ દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ.