જેતપુર પાસેથી વન વિભાગે પકડી કેદ કરેલા ૮ સિંહોને મુક્ત કરવા કરાઈ માંગ
તાજેતરમાં ગીર જંગલ અભ્યારણ્યના આઠ સિંહોને જેતપુર તાલુકામાંથી કેદ કરવામાં આવેલ છે તે તમામને સત્વરે મુક્ત કરવા અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની જોગવાઇ વિરૂધ્ધ સિંહોને ગેરકાયદેસર રીતે કેદ કરનાર વન વિભાગનાં અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અંગે સિંહપ્રેમી વાઈલ્ડલાઈફ એક્ટિવીસ્ટએ વડાપ્રધાન સહીતનાને લેખીત રજુઆત સાથે માંગણી કરી છે. વઘુમાં ગીર જંગલના ઘરેણા સમાન એશીયાઇ સિંહો અને દીપડાઓ સાથે થઇ રહેલ અત્યાચાર તાત્કાલીક અસરથી બંધ કરાવવા માંગણી કરી છે. સિંહોનું સંરક્ષણ કરવાની તાકાત ગીરની ખમીરવંતી પ્રજામાંતો છે. પરંતુ જો રાજયના વન વિભાગમાં એ તાકાત ન હોય તો સિંહોને ગેરકાયદેસર કેદ રાખવા કરતા મધ્યપ્રદેશમાં સિંહો વધારે સુખી રહેશે તેવો કટાક્ષ કરતા વાઇલ્ડ લાઇફ એક્ટિવીસ્ટ ભગવાન સોલંકીએ પીએમ મોદી અને સીએમ રૂપાણીને કરેલ રજુઆતમાં જણાવેલ કે, રાજયના વન વિભાગે ગત ગુરૂવારે રાજકોટના જેતપુર તાલુકાના ખારચીયા ગામના રેવન્યુ વિસ્તારોમાંથી આઠ સિંહોને પકડી જુનાગઢ સક્કરબાગ ઝુમાં કેદ કર્યા છે.
આ સિંહોએ કોઇ માનવી ઉપર હુમલો કર્યો ન હતો કે સિંહોની અન્ય કોઇ રંજાડ ન હતી. જેથી સિંહોને પકડવાનું ચોક્કસ કારણ ન હોવા છતાં પકડી ગીરનાર અભયારણ્યમાં કુદરતી પુનવર્સન કરવાને બદલે જુનાગઢ સક્કરબાગ ઝુમાં કેદ કરવામાં આવ્યા છે. વઘુમાં વર્ષ ૨૦૨૦ ની સિંહ વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સિંહોની સંખ્યા ૬૭૪ થઇ ગઇ છે. પચાસ ટકાથી વધુ સિંહો જાહેર કરેલ સુરક્ષિત વિસ્તારોની બહાર બ્રહુદ ગીરમાં રહે છે. આ રેવન્યુ વિસ્તારોમાં જેતપુર જેવા સ્થાનો સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહની વસ્તી ગીર અભ્યારણ્યમાંથી વધુને વધુ આગળ વધી રહી છે. સેંકડો સિંહો અભ્યારણ્ય બહારનાં અનામત- કોસ્ટલ જંગલો અને રેવન્યુ વિસ્તારમાં મનુષ્યની વચ્ચે શાંતિપૂર્ણ રીતે જીવી રહ્યા છે. ગીરની બહાર સિંહો અને સ્થાનિકો શાંતિપૂર્ણ રીતે એકબીજા સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. આ બાબત વિવિધ અભ્યાસો અને સંશોધનોમાં સાબિત થયેલ છે.