ભારે વરસાદના પગલે શાકભાજીના પાકને નુકસાન થતાં ભાવમાં વધારો
સમગ્ર રાજ્યમાં મેઘમહેર સર્જાતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. કારણ કે મોટા ભાગના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો શાકભાજી પાકને ભારે નુકસાન થતાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે બજારમાં આવક ઓછી હોવાના કારણે હાલમાં તો ભાવ આસમાને પહોંચી ગયા છે. હોલસેલ માર્કેટમાં પણ રૂ. ૬૦થી લઈને રૂ. ૧૦૦ પ્રતિ કિલોના ભાવ પડે છે. તો છુટક વેપારીએ ૮૦થી લઈને રૂ. ૧૫૦માં શાકભાજી વેચાઈ રહી છે. સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે. જેમાં ખાસ કરીને કોબીજ, ફુલાવર, ગવાર, દુધી, ગલકા, કારેલા સહિતની શાકભાજીનું વધુ ઉત્પાદન થતું હોય છે.
ચોમાસાના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જે પહેલા સરેરાશ ૩૦થી ૬૦ સુધી મળતી હતી, તેના ભાવ હાલ ૮૦થી લઈ ૧૫૦ સુધી પહોંચી ગયા છે. એક બાજુ ખેડુતોને સારા ભાવ મળે છે તેની ખુશી છે. પરંતુ ઉત્પાદન ઓછું થતાં તેમાં નુકસાન થઈ રહ્યું છે. એટલે એકંદરે તો ખેડુતને જ નુકશાન થાય છે, તો સામે આમ લોકો પણ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે.
જીએસટી બાદ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મોઘી થઇ છે. તો ચોમાસાને લઈને શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે. શાકભાજીના ભાવો રૂ. ૧૦૦ને પાર થઈ જતાં આમ જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.