RMC પ્લાન્ટના કારણે પર્યાવરણ પ્રદૂષણ અને માનવ આરોગ્ય પર થતી હાનિકારક અસરો બાબતે અમદાવાદમાં ફરિયાદ
અમદાવાદઃ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ બનેલા રેડીમિક્સ કોન્ક્ર્રીટ (RMC) પ્લાન્ટો હવે પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ વધી રહેલા પ્રદૂષણ માટે નવા બાંધકામ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને આરએમસી એટલે કે રેડી મીક્સ કોન્ક્ર્રીટ એકમોના કારણે ખૂબ જ પ્રમાણમાં ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. ચાલી રહેલા રેડી મિક્સ કોન્ક્રીટ (RMC) પ્લાન્ટ આજુબાજુના રહેવાસીઓ માટે ગંભીર સમસ્યાઓ ઉભી કરી રહ્યાં છે. આ પ્લાન્ટમાંથી પર્યાવરણીય અને આરોગ્યસંબંધી હાનિકારક અસરો થઈ રહી છે. જેને લઇને હવે આવા આરએમસી પ્લાન્ટની આસપાસમાં રહેતા લોકો અવાજ ઉઠાવી રહ્યાં છે અને તંત્રને ફરિયાદ કરી રહ્યાં છે.
રહીશોએ લેખિતમાં ફરિયાદ કરી
આરએમસી પ્લાન્ટથી થતી માનવ આરોગ્ય અને પર્યાવરણ પર થતી હાનિકારક અસરોને લઇને ફરિયાદ ઉઠવા પામી છે. શહેરની સનાથલ વિસ્તારમાં આવેલા એક આરએમસી પ્લાન્ટ સામે સ્થાનિકોએ તારીખ 26 મે, 2025ના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સનાથલ પ્રાદેશિક કચેરી લેખિત અરજી આપી આ એકમ સામે જરૂરી પગલા લેવા વિનંતી કરી છે.
માનવ આરોગ્ય અને પર્યાવરણ પર ગંભીર અસર
વિગત પ્રમાણે સરખેજ-સાણંદ હાઇવે પર આવેલા સનાથલ ગામમાં અરાવલ્લી હાઉસિંગ કો.ઓપ. સોસાયટી નુવોકો વિસ્ટાસ કોર્પો. લિમિટેડના પરિસરની બાજુમાં આવેલી છે. આ સોસાયટીના રહીશોએ આ આરએમસી પ્લાન્ટમાંથી પેદા થતા ધ્વનિ અને વાયુ પ્રદૂષણને લઇને ઉભી થતી ગંભીર સમસ્યાઓને લઇને તંત્રનું ધ્યાન દોર્યું છે.

રાત્રિ કામગીરીથી પેદા થતો ઘોંઘાટ સ્થાનિકો માટે અસહ્ય
રહીશોના જણાવ્યા પ્રમાણે, રાત્રિ દરમિયાન આ આરએમસી પ્લાન્ટમાંથી સતત અસહ્ય ઘોંઘાટ પેદા થતો રહે છે, સાથેસાથે વાયુ પ્રદૂષણ પણ પેદા થાય છે, જે પ્રતિકૂળ રીતે આરોગ્ય અને શાંતિમય વાતાવરણને અસર કરે છે, ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ અને વરિષ્ઠો માટે આ અસહ્ય બની જાય છે. એકમ સોસાયટીની દિવાલની નજીક હોવાથી આ મુદ્દો વધુ અસહ્ય બની ગયો છે. આ બાબતે અરાવલ્લી સોસાયટીના રહીશો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબીને જરૂરી પગલા લેવા માટે વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તારમાં એક્યૂઆઈ ઉંચો જોવા મળે છે. સનાથલ અને શાંતિપુરા વચ્ચે આવેલા પુલના છેડે સર્વિસ રોડ પરથી આવા એરએમસી ટેન્કરો બેફામ દોડતા હોય છે, જેને લઇને ઉડતી ધૂળ એસપી રિંગ રોડ સુધી ફેલાઇ જતી હોય છ.
આરએમસી પ્લાન્ટ CGDCR ધોરણોનું કરી રહ્યાં છે પાલન?
RMC પ્લાન્ટ મૂળભૂત CGDCR ધોરણો અને અન્ય જરૂરિયાતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેમ કે રસ્તાઓની બાજુમાં યોગ્ય માર્જિન એરિયા જાળવવો, પ્લાન્ટ કામગીરી માટે જમીન કવરેજ નિયમોનું પાલન કરવું અને રસ્તાઓ પર કચરાના ઢોળાવને અટકાવવા. તેમની ડિલિવરી સિસ્ટમ્સ પણ સમસ્યારૂપ છે, જે વારંવાર સ્થાનિક રસ્તાઓને નુકસાન પહોંચાડે છે. વધુમાં, આ પ્લાન્ટ્સ પેદા થતી ધૂળને ઉડતી રોકવા માટે પાણીના છંટકાવનો ઉપયોગ કરતા નથી કે પર્યાવરણીય દૂષણને નિયંત્રિત કરવા માટે ગ્રીન નેટ ઇન્સ્ટોલ કરતા નથી, જેના પરિણામે આસપાસના વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI)માં નોંધપાત્ર વધારો થાય છે.
બાળકો, વૃદ્ધો સહિત શ્વાસના દર્દીઓ માટે સમસ્યારૂપ
આરએમસી પ્લાન્ટના કારણે જે સમસ્યાઓ ઉભી થાય છે, તેમાં મુખ્ય છે વાયુ પ્રદૂષણ. પ્લાન્ટમાંથી સતત ધૂળ, સિમેન્ટ પાઉડર અને બીજા ભારે કણોનું ઉત્સર્જન થાય છે. જેના પગલે વાયુ પ્રદૂષણ વધી જતા બાળકો, વૃદ્ધો અને દમ-અસ્થમા સહિત શ્વાસ સંબંધિત રોગોના દર્દીઓમાં શ્વાસ સંબંધિત તકલીફ વધી ગઈ છે.
આરએમસી પ્લાન્ટ ધ્વનિ, જળ, વાયુને કરી રહ્યાં છે પ્રદૂષિત
આ સાથે જળ પ્રદૂષણ પણ જોવા મળે છે. પ્લાન્ટમાંથી નિકળતું ભેજયુક્ત કોન્ક્રીટ સ્લરી અને કેમિકલયુક્ત પાણી બિનટ્રીટેડ રીતે બહાર છોડવામાં આવે છે, જેનાથી જમીન અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે. તો ધ્વનિ પ્રદૂષણ પણ બેફામ રીતે ફેલાતું હોય છે. મિક્સિંગ મશીન, પમ્પ અને ભારે વાહનોના કારણે સતત ઉચ્ચ અવાજથી રાત્રિમાં પણ આરામમાં ખલેલ પડે છે. જેની પ્રતિકૂળ અસર લોકોના માનસિક આરોગ્ય પર પણ પડે છે. ઘૂળની રજકણો પેદા થતી હોવાથી આરોગ્ય પર હાનિકારક અસરો જોવા મળે છે. ત્વચા સંબંધિત સમસ્યાઓ, આંખોમાં બળતરા અને તણાવ જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
સ્થાનિકોની તંત્રને તાકીદે પગલાં ભરવા વિનંતી..
અરાવલ્લી સોસાયટીના રહીશો ઇચ્છી રહ્યાં છે કે અહીં સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર તપાસ કરી જરૂરી પગલા ભરવામાં આવે. પ્લાન્ટના પ્રદૂષણ કાનૂન મુજબ પ્રમાણપત્રો અને પરવાનગીઓની સમીક્ષા કરવામાં આવે. અને ગેરકાયદેસર હોય તો નિયમો ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવે અને પ્લાન્ટને સ્થળાંતર કરવા સૂચન આપવામાં આવે. રહેવાસીઓને રક્ષણાત્મક પગલાં અને આગળની કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવે.










