રાજ્યમાં આગામી ૫ દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

નવસારીના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો

હવામાન વિભાગે પણ કોલ્ડવેવની આગાહી આપી છે તે મુજબ કચ્છમાં સૌથી વધુ ઠંડી પડશે. તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ઠંડી પડશે. હાલ ન્યુનતમ તાપમાન છે તેના કરતા પણ બે ડિગ્રી કરતા ઓછું તાપમાન જઈ શકે છે માટે જ કોલ્ડવેવની ચેતવણી આગામી ૫ દિવસ માટે આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ એટલે કે ૯ તારીખ સુધી ન્યુનતમ તાપમાન ૧૦, જ્યારે મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રીની નજીક રહેશે.

કેશોદ ઉપરાંત કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ૬.૭ ડિગ્રી રહ્યું. આ સિવાય કંડલા એરપોર્ટ પર ૮.૭, રાજકોટમાં ૯, ઉત્તર ગુજરાતના ડીસામાં ૮.૮, ગાંધીનગરમાં ૯ અને અમદાવાદમાં ૧૦ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં વડોદરામાં ૧૬.૫, સુરતમાં ૧૬.૩ અને ભૂજમાં ૧૦.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં ૫ દિવસ કોલ્ડવેવની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધશે. તાપમાનનો પારો ૨થી ૩ ડીગ્રી ઘટી શકે છે. અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ૧૦ ડિગ્રી સાથે અમદાવાદમાં ઠંડીનો ચમકારો વર્તાયો છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે. વાતાવરણમાં પલટાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

હવામાન ખાતાએ આગાહી પાંચ દિવસની કોલ્ડવેવની આગાહી કરી છે તેમાં પ્રથમ દિવસે પોરબંદર, બીજા દિવસે પોરબંદર, કચ્છ, ત્રીજા દિવસે સિવિયર કોલ્ડ વેવ કચ્છમાં અને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવ, ચોથા દિવસે કચ્છમાં સિવિયર કોલ્ડવેવ અને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવ તથા પાંચમાં દિવસે કચ્છમાં સિવિયર કોલ્ડવેવ અને રાજકોટ-સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે.

નવસારીના વાતાવરણમાં આજે અચાનક પલટો આવી ગયો છે. અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વરસાદના કારણે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. લોકોએ સ્વેટરની સાથે રેઇનકોટનો પણ સહારો લીધો છે.

અરવલ્લીમાં મોડી સાંજે મેઘરજના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. અરવલ્લીના રેલ્લાવાડા, જીતપુર, તરકવાડામાં વરસાદી છાંટા પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતામાં આવી ગયો છે.